શક્તિપીઠ પાવાગઢ…
મનોહર પ્રાકૃતિક સૌંદર્યથી સભર અરવલ્લી પર્વતની ગિરિમાળા ઉત્તર ગુજરાતથી શરૂ થઈ છેક દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદ સુધી વિસ્તરેલી છે. આ હરિયાળી ગિરિમાળામાં પૂર્વ ગુજરાતમાં આવેલો એક પર્વત ‘પાવાગઢ’ તરીકે ઓળખાય છે.એવું કહેવાય છે કે આ શંકુ આકારનો પર્વત જેટલો બહાર છે તેનાથી ત્રણ ગણો જમીનમાં છે. પર્વતનો પા ભાગ જમીનની બહાર હોવાથી પર્વતનું નામ ‘પાવાગઢ’ પડ્યું.
આ પાવાગઢના પર્વત પર એકાવન શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ આવેલી છે. શ્રીહરિ વિષ્ણુના સુદર્શનચક્રથી છેદાયેલાં શિવપત્ની સતીના પાર્થિવ દેહના જમણા પગની આંગળીઓ અહીં ખરી પડી હતી. અહીં આ શક્તિપીઠ બની તેમાં આદ્યશક્તિ મહાકાળી” સ્વરૂપે બિરાજમાન છે. અહીં મહાકાળીએ રક્તબીજ નામના રાક્ષસનો વધ કર્યો હતો એવો ઉલ્લેખ પુરાણોમાં પણ થયો છે. અહીં બ્રહ્મર્ષિ વિશ્વામિત્રએ માતાનું તપ કરી પ્રસન્ન કર્યા હતા. આ સ્થળ પણ અત્યારે અહીં મોજૂદ છે. આ સ્થળથી એક ઝરણું નીકળે છે, જે આગળ જતાં નદીનું રૂપ ધારણ કરે છે. વિશ્વામિત્રના નામ પરથી આ નદી વિશ્વામિત્રી’ તરીકે ઓળખાય છે.
પાવાગઢ શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે. પર્વતના જે શિખર પર મહાકાળીનું મંદિર આવેલું છે તે શિખર 762 મીટરની ઊંચાઈ પર આવેલું છે. મંદિર સંકુલ સુધી પહોંચવા માટે પથ્થરના 1500 પગથિયા બનાવેલા છે. પગથિયા ચડીને આશરે કલાકથી દોઢ કલાકે શિખર ૫૨ પહોંચી શકાય છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સંચાલિત રોપ-વે પણ અહીં બનેલો છે, જે માત્ર 8 મિનિટમાં જ મંદિર સંકુલ પર પહોંચાડી દે છે.
પાવાગઢની તળેટીમાંથી 4 કિ.મી.ના અંતરે પર્વતના ઢોળાવ પર માંચી નામનું ગામ વસેલું છે. માંચી સુધી પહોંચવા માટે પાક્કો સર્પાકાર રસ્તો છે. નયનરમ્ય લીલીછમ વનરાજી સભર રસ્તા પર ચઢાણ કરીને માંચી સુધી પહોંચી શકાય છે. રસ્તો પાક્કો હોવાથી વાહન પણ ચાલી શકે છે. અહીંથી જ રોપ-વે અને મંદિર સુધી પહોંચવા માટે પગથિયાની શરૂઆત થાય છે.
પાવાગઢની તળેટીમાં ચાંપાનેર’ નામનું ઐતિહાસિક નગર વસેલું છે. ચાંપાનેરનો કિલ્લો ઐતિહાસિક છે. ચાંપાનેરની સ્થાપના ચાવડાવંશના રાજાવનરાજ ચાવડાએ 8મી સદીમાં કરી હતી. રાજાનો એક શૂરવીર સેનાપતિ હતો. તેનું નામ ચાંપરાજ હતું. ચાંપરાજ રાજાનો અંગત મિત્ર પણ હતો. આથી વનરાજ ચાવડાએ અહીં નગર વસાવી મિત્રના નામ પરથી ‘ચાંપાનેર’ નામ રાખ્યું.
વનરાજ ચાવડાએ અહીં કિલ્લો બનાવી નગરને સુરક્ષિત કર્યું હતું. મિત્ર ચાંપરાજને અહીંનો સૂબો બનાવી શાસન કર્યું. વનરાજના સમયમાં ચાંપાનેર અને પાવાગઢ સમૃદ્ધ બન્યાં. કાળક્રમે અહીં ચાવડાવંશનું શાસન નબળું પડ્યું અને ચૌહાણવંશે ચાંપાનેરને જીતી લઈ પોતાનું શાસન શરૂ કર્યું. ચૌહાણવંશના રાજાઓએ ચાંપાનેર અને પાવાગઢની કાયાને પલટાવી નાંખી.
ચૌહાણવંશ મહાકાળીનો ઉપાસક હતો. તેથી તેમણે માતૃભક્તિ માટે પાવાગઢના ઊંચા શિખર પર મહાકાળીનું મંદિર નિર્માણ કર્યું. મંદિરમાં મહાકાળીની નેત્રપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આજે પણ મંદિરમાં માતાજીની બે ફૂટ ઊંચી નેત્રપ્રતિમા બિરાજમાન છે. ચૌહાણવંશે આ મંદિરનો વિકાસ કરી તેની જાળવણી કરી. ધીમે-ધીમે લોકો અહીં આવવા લાગ્યા એટલે માંચીથી પગથિયા બનાવડાવ્યા. પછી લોકોની આસ્થા વધવા લાગી. વધુ લોકો દર્શનાર્થે અહીં આવવા લાગ્યા. ધીરે-ધીરે આ સ્થળ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ બની ગયું.
ચૌહાણવંશ પતઈવંશ’ તરીકે પણ ઓળખાતો હતો. આ વંશનો છેલ્લો રાજા જ્યસિંહ ચૌહાણ હતો. જ્યસિંહ પ૨મ માતૃભક્ત અને ઉપાસક હતો. તેણે મહાકાળી માતાને પ્રસન્ન કર્યા, પછી પ્રાર્થના કરીઃ “હે માતા ! નવરાત્રિમાં તમે મારા રાજગઢના પ્રાંગણમાં ગરબે રમવા આવો.’
મહાકાળી માતાએ જયસિંહની પ્રાર્થના સાંભળી વચન આપ્યું. નવરાત્રિમાં મહાકાળી માનવરૂપ લઈને ગરબે રમવા આવવા લાગ્યા. પ્રથમ નવરાત્રિથી છેલ્લી નવરાત્રિ દરમિયાન જયસિંહે એક નવતર સુંદર નારીને ગરબે રમતી જોઈ. તેના રૂપ પર તે મોહિત થઈ ગયો. છેલ્લી નવરાત્રિએ જયસિંહે મદીરાના નશામાં તેનો પાલવ પકડી રોકી અને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
એવું કહેવાય છે કે માતાજીએ રાજાની આ હરકતથી પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી જયસિંહ ચૌહાણને શાપ આપ્યો : ‘હું લંપટ રાજા! તું મને ઓળખી ન શક્યો. હવે પછીના છ મહિનામાં જ તારું અને તારા રાજ્યનું પતન થશે.’
આ ઘટના પછી ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ 15મી સદીમાં ઈ.સ. 1482માં ચાંપાનેર પર આક્રમણ કરી પાવાગઢ જીતી લીધું. ચૌહાણવંશના 600 વર્ષના શાસનનો અંત આવ્યો અને ચાંપાનેરમાં મુગલ સત્તાનો પાયો નંખાયો. મહમદ બેગડાને અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ગમી ગયું. તેણે ચાંપાનેરને પાટનગર બનાવ્યું અને પોતાના નામ પરથી જ ચાંપાનેરનું નવું નામ ‘મુહમદાબાદ’ આપ્યું.
મહમદ બેગડાએ શાસન દરમિયાન અહીં એક મસ્જિદ નિર્માણ કરી. ગુજરાતી અને ઇસ્લામિક શૈલીની સ્થાપત્યકલાનું તેમાં અદ્ભુત મિશ્રણ કર્યું. તેના મિનારા અને પિલરો અતિ ભવ્ય રીતે બનાવાયા. મહમદ બેગડાએ આ મસ્જિદને જામા મસ્જિદ’ નામ આપ્યું. આ ઉપરાંત તેણે સફેદ પથ્થરમાંથી બનાવેલી નગીના મસ્જિદ’ પણ અહીં નિર્માણ કરી.
હાલમાં પણ ચાંપાનેર એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું વિખ્યાત સ્થળ છે. આ સ્થળની જાળવણી અત્યારે યુનેપ્કોને (UNESCO)ને સોંપવામાં આવી છે અને આ સંકુલને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો.
ચાંપાનેર અને પાવાગઢ વનસૃષ્ટિ અને લીલીછમ વનરાજી માટે ખૂબ જ જાણીતું છે. અહીં પર્વતારોહકો પર્વતારોહણ કરવા આવે છે. સરકાર તરફથી પણ અહીં સ્પર્ધાનું આયોજન થાય છે. અહીંની શક્તિપીઠનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું છે. અસંખ્ય યાત્રાળુઓ અહીં આવી મહાકાળીમાતાના દર્શન કરી ધન્ય બને છે.
મંદિરમાં દર્શનનો સમય
સવારે ૫.૦૦ કલાકથી સાંજે ૬.૩૦ કલાક સુધી
મંદિરમાં આરતીનો સમય
સવારે ૫.૦૦ કલાકે અને સાંજે ૬.૩૦ કલાકે
આજુબાજુ જોવાલાયક સ્થળો:
મહાકાળી શક્તિપીઠ મંદિર સંકુલ ઉપરાંત અહીં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વીય પાર્ક, ચાંપાનેરનો ઐતિહાસિક કિલ્લો, નવલખા કોઠાર, જામા તથા નગીના મસ્જિદ, લાલિસા મંદિર, વિશ્વામિત્રની ગુફા, જાંબુઘોડા અને અહીંનું જેનમંદિર જોવાલાયક સ્થળો છે.
કેરી રીતે જશો:
પાવાગઢ ચાંપાનેર અમદાવાદ અને વડોદરા સાથે રોડમાર્ગથી જોડાયેલું છે. અમદાવાદથી 140 કિ.મી અને વડોદરાથી માત્ર 45 કિમીના અંતરે આવેલું છે, માટે રોડમાર્ગે સરળતાથી અહીં જઈ શકાય છે. આ ઉપરાંત આ સ્થળ અમદાવાદ-મુંબઈના મુખ્ય રેલવે લાઇન સાથે જોડાયેલું હોવાથી રેલમાર્ગે પણ જઈ શકાય છે. નજીકનું હવાઈ મથક વડોદશ છે.
રહેવા માટેની સુવિધા:
રહેવા માટેની અહીં ઉત્તમ સગવડ છે. વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પામેલું આ સ્થળ હોવાથી અહીં વિદેશી પર્યટકો પણ વધુ આવે છે. અહીં ખાનગી હોટલી, રિસોર્ટહાઉસ તથા ગેસ્ટહાઉસો ઉપલબ્ધ છે.
( પ્રાપ્તિસ્થાનઃ સોસિયલ મીડીયા )
0 comments:
Post a Comment