Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Tuesday, 26 August 2025

ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ અને તરણેતર મેળાનું ઐતિહાસિક મહત્વ

સૌરાષ્ટ્રના મહત્વના મેળા 

સૌરાષ્ટ્રમાં ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળાને વિવિધ રીતે વહેંચવા હોય તો એમ વહેંચી શકાય કે, તરણેતરનો મેળો એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો એ ભક્તિનો મેળો છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. તરણેતર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલું એક ગામ છે અને ચોટીલાથી આશરે ૩૯ કિલોમીટરના અંતરે તરણેતર ગામમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તરણેતર મુખ્યત્વે તેનાં તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પાસે ભરાય છે. વાસુકિ નાગની આ ભૂમિ છે. 


તરણેતરનું મંદીર

તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ માંધાતા હતુ અને આ તરણેતરનું મંદીર માંધાતાએ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેધ થયો હતો અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે. 


તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા છે કારણ કે મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો આમ કહે છે. પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા, જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતર સ્ટેટનાં રાજવી કરણસિંહજી વજેરાજસિંહજી ઝાલા (1846/1924) એ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો, જેનો શિલાલેખ પણ છે. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડે દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે. મંદીરની સામેની બાજુએ તળાવ છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતવણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. આ મંદીરની બાંધણી ખુબ જુની તથા  કલાત્મક હોવાથી તેમજ શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે. તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક અદ્ભૂત સ્થાન છે.

તરણેતરનો મેળો ક્યારે ભરાય છે?તેનું મહત્વ

 તરણેતરનો મેળો ભાદરવા ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે, જેમાં ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે તરણેતર મેળો 26 થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે. પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને એટલે તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે અને આ દિવસે જ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે, જે પારંપારિક રીતે પાળીયાદ વિશામણ બાપુની જગ્યાના મહંત શ્રી દ્વારા વાજતે ગાજતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે - સામસામા બોલાતા દુહા, રાવટીઓમાં વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનોની લહેર અને ૨૦૦ ઉપરાંત ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા રાસ. 


મેળા નું ખાસ આકર્ષણ રંગબેરંગી છત્રીઓ

મેળામાં ગ્રામ્ય સ્ત્રીઓ ત્રણ તાળીના રાસ લેતી ગાતી હોય ત્યારે રાસડામાં એવી હિલોળા લે, જાણે સો શરણાઈઓ સામટી વાગતી હોય એવું વાતાવરણ સર્જાય છે. મીઠી હલકે, મોકળે કંઠે ગાતી અને વાયુવેગે ઊપડતી સ્ત્રીઓનાં રાસડા આકર્ષક હોય છે. ભરવાડોના રાસમાં 30 થી 60 સ્ત્રી પુરુષો હોય છે. અહીં દાંડિયારાસ રમે ત્યારે સ્ફૂર્તિથી દાંડિયા ખોડી દૂર જઈ ઊભા રહે અને એટલી જ સ્ફૂર્તિથી પાછા ભેગા થઈ જાય. કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે. ત્યાં તો ગમે તે ઉંમરનો આદમી પણ ઉત્સવ ટાણે આંખમાં સુરમો, માથે લાલ આંટિયાળી ગોળ પાઘડી, પાઘડીને આભલાં ભરેલ લીલા પટ્ટાનું બાંધણું, કેડે બાંધી હોય રંગીલી ભેટ, વળી વધારે રંગીલો હોય તો રાસની વચમાં બબ્બે હાથમાં બે છત્રીઓ ઝુલાવતો જાય. છત્રી પણ કેવી ? સુંદર ભરત ભરેલી સોળ સોળ સળિયાની, સળિયે સળિયે લાલ, પીળા ને લીલા રેશમી રૂમાલ ફરકતા હોય, બહુ લાંબા નહિ તેમ બહુ ટૂંકા નહિ. આ છત્રી કલારસિકોનું આકર્ષણ બને છે. પાતળી કાઠીનાં શરીર અને પાછાં અજબ ચેતનવંતાં. રાસની સાથે ધ્રબુકતા ચાર ચાર ઢોલ અને જોડિયા પાવા સાથે સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ રાસડા લેતી હોય. આ બધાંની સાથે તેમનો ભવ્ય પોશાક ! હીરમાં આભલે ચોડેલાં કમખાં, ઘાઘરા અને ઓઢણાં હોય. આ પ્રસંગે  પ્રણાલિકાગત વસ્ત્રો અને તેવાં જ આભૂષણો પહેરેલાં અનેક કોમોનાં સ્ત્રી પુરુષો અનેરો રંગ જમાવે છે. રાસમાં પુરૂષો જેમ દાંડિયાથી રમે છે તેમ સ્ત્રીઓ મટકી પણ બહુ સરસ લે છે. બંને હાથમાં લોઢાના કે રૂપાના કરડા પહેર્યા હોય અને હાથમાં તાંબા પિત્તળના ઘડા હોય. હીંચ સાથે ઘડા ઝુલાવતી જાય. ઉપર, નીચે અને પાછા ખભેથી સરકાવીને માથા ઉપરથી હિલોળીને હેઠા લાવતી જાય અને ઘડા સાથે તાલબદ્ધ કરડા વગાડતી જાય. આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક્સ, પશુ પ્રદર્શન, પશુ હરીફાઈ અને રાસ-ગરબા સ્પર્ધાનું પણ આયોજન અલગ અલગ દિવસે કરવામાં આવે છે. આમ તરણેતરનો મેળો રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની દ્રષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. જો તમે પણ તરણેતરના મેળાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો સાથે તરણેતરના મંદિરની મુલાકાત લેવાનું પણ ચૂકશો નહીં હોં..! 






To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

0 comments:

Weekly Popular Updates

Gujarati Recipe

Gujarati Recipe
Gujarati food recipe best idea
html script

Popular Posts

Catagerios

Our Followers

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *