રાધાષ્ટમી એટલે ભાદરવા સુદ આઠમ. ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય સખી રાધાનો જન્મ આ દિવસે થયો હોવાનું મનાય છે અને માટે આ દિવસને રાધાની જન્મજયંતિરૂપે મનાવવામાં આવે છે.
પ્રેમલક્ષણા મૂર્તિ એટલે શ્રી રાધાજી! શ્રી રાધા અને શ્રી કૃષ્ણનું અભિન્ન સ્વરૂપ એટલે શ્રી રાધાજી! ભગવાન શ્રી કૃષ્ણની આહ્લાદિની શક્તિ એટલે શ્રી રાધા! ભાદરવા સુદી આઠમના શુભ દિવસે શ્રી રાધાજીનો પ્રાગટય દિવસ વિશ્વભરમાં રાધાષ્ટમી તરીકે ઉજવાય છે. વ્રજમાં બરસાનાથી નજીક રાવલ ગામમાં રાધાજીનું પ્રાગટય થયું હતું. શાસ્ત્રો અનુસાર કૃષ્ણના જન્મદિવસ શ્રાવણ મહિનાની કૃષ્ણપક્ષ અષ્ટમીથી પંદર દિવસ બાદ શુક્લ પક્ષની અષ્ટમીની બપોરે અભિજિત મુહૂર્તમાં શ્રીરાધાજી રાજા વૃષભાનુના યજ્ઞ ભૂમિથી પ્રકટ થયા હતા. રાજા વૃષભાનુ અને તેમની ધર્મપત્ની શ્રી કીર્તિએ આ કન્યાને પોતાની પુત્રી માની હતી અને તેમનું નામ રાધા રાખ્યું હતું. બ્રહ્મકલ્પ, વારાહકલ્પ અને પાદ્મકલ્પ આ ત્રણેય કલ્પોમાં રાધાજીનું કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે, જેમને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના વામપાર્શ્વથી પ્રકટ કર્યા છે. વેદ-પુરાણ વગેરેમાં તેમનું 'કૃષ્ણવલ્લભા', 'કૃષ્ણાત્મા', 'કૃષ્ણાપ્રિયા' વગેરે કહીને ગુણગાન કરવામાં આવે છે.
પૌરાણિક કથાઓમાં એવું વર્ણન છે કે ભગવાન શ્રીવિષ્ણુએ કૃષ્ણના રૂપમાં ધરતી પર અવતાર લેતાં પહેલા પોતાના ભક્તોને પણ પૃથ્વી પર ચાલવાના સંકેત આપ્યા હતા. ત્યારબાદ વિષ્ણુજીના પત્ની લક્ષ્મીજી, રાધા સ્વરૂપમાં પૃથ્વી પર આવ્યા હતા. સંસ્કૃત ગ્રંથ પદ્મપુરાણ (ખંડ 5) ના ભૂમિ ખંડના અધ્યાય 7 માં રાધાષ્ટમીના તહેવાર સંબંધિત વિગતવાર માહિતી અને ધાર્મિક વિધિઓ આપવામાં આવી છે. સ્કંદપુરાણના વિષ્ણુ ખંડમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણ પાસે 16,000 ગોપીઓ હતી જેમાંથી દેવી રાધા સૌથી અગ્રણી હતા. વ્રજ સંસ્કૃતિમાં રાધાનું સર્વોચ્ચ સ્થાન છે. વ્રજ વિસ્તારમાં રાધાષ્ટમી વિધિપૂર્વક ઉજવવામાં આવે છે. રાધાષ્ટમીના દિવસે રાધા-કૃષ્ણની મૂર્તિઓ પરંપરાગત રીતે સંપૂર્ણપણે ફૂલોથી સજ્જ હોય છે. વધુમાં, રાધાષ્ટમી એકમાત્ર એવો દિવસ છે જ્યારે ભક્તો રાધાના ચરણોનાં દર્શન મેળવી શકે છે. બાકીના બધા દિવસોમાં તેઓ ઢંકાયેલા રહે છે. રાધાષ્ટમીની શરૂઆત ધાર્મિક સ્નાનથી થાય છે. ઘરો અને મંદિરોમાં, દેવી રાધાની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે - દૂધ, ઘી, મધ, ખાંડ/ગોળ અને દહીંના પાંચ અલગ અલગ ખાદ્ય મિશ્રણનું મિશ્રણ અને પછી તેમને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. પંચામૃત જેવા બ્રજ ભોજન પણ પ્રસાદ તરીકે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ભોગ ચઢાવવામાં આવે છે.
આ દિવસે ભક્તો તેમના પ્રશંસામાં ભક્તિ ગીતો ગાય છે. બાદમાં, આ દિવસની ઉજવણી માટે પ્રસાદ તરીકે ભોજન પીરસવામાં આવે છે. જે સંપ્રદાયોમાં રાધાને વિશેષ સ્થાન આપવામાં આવે છે, જેવાકે પુષ્ટિમાર્ગ અને ગૌડિય વૈષ્ણવ સંપ્રદાય, તેમાં રાધાષ્ટમી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ગૌડિય વૈષ્ણવ સંપ્રદાયની શાખા ઇસ્કોનમાં આજના દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખવામાં આવે છે. ઇસ્કોનના મંદિરોમાં રાધા-કૃષ્ણની મૂર્તિઓ હોય ત્યાં રાધાનો શણગાર એવી રીતે કરવામાં આવતો હોય છે કે તેના ચરણ દેખાય નહિ પરંતુ રાધાષ્ટમીના દિવસે રાધાના ચરણનાં દર્શન થાય એવી રીતે તેનો શણગાર થાય છે. આ દર્શન તે રાધાષ્ટમીના વિશેષ દર્શન છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવી હોય તો રાધેશ્યામ! રાધે શ્યામ! ભજવા જ પડે. ભગવાન શ્રી કૃષ્ણને આખું જગત આધિન છે અને શ્રી રાધાજી શ્રી કૃષ્ણને આધીન છે. વૃંદાવનમાં મોટાભાગે બધા વ્રજવાસી રાધે! રાધે! બોલે છે. શ્રી કૃષ્ણને અષ્ટ મુખ્ય પટરાણીઓ હતી પણ રાધાજી લક્ષ્મીજીનો અવતાર હતાં એટલે બધા રાધેશ્યામ બોલે છે. શ્રી રાધાજીનું નામ વ્રજસુખ અપાવે છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ સાથે રાધાનું સ્મરણ કરવાથી જીવનના બધા પાપોનો નાશ થાય છે અને ભક્તને દિવ્ય આનંદ મળે છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને રાધારાણી અને શ્રી કૃષ્ણની પૂજા કરે છે. ઘણી જગ્યાએ સ્ત્રીઓ નિર્જલા ઉપવાસ રાખે છે અને દિવસભર ભજન-કીર્તનમાં મગ્ન રહે છે. 'રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી!' રાધાકૃષ્ણનો પ્રેમ એટલે બંસરી, વેણુ, મુરલી. યમુનાજીએ સ્વયં કહ્યું છે કે શ્રી કૃષ્ણ જ રાધા છે અને રાધાજી શ્રીકૃષ્ણ છે.
0 comments:
Post a Comment