વરદાયિની માં પલ્લીને દિવસે જ્યા ઘી ની નદી વહે છે તે ગામ એટલે રૂપાલ
ગાંધીનગર જિલ્લાના રૂપાલ નાનું અમથું ગામડું છે. રૂપાલ કલોલથી લગભગ 13 કિ.મી. જેટલા અંતરે જ આવેલું છે. જ્યારે અમદાવાદથી 35 કિ.મી દુર છે. નવરાત્રિ દરમ્યાન રૂપાલના માતાજીની પલ્લી ભરાય છે.અહી રૂપાલમાં તે દિવસે ઘીની પલ્લી અને નવરાત્રિના મેળો લોકોના હૃદયમાં બિરાજમાન વરદાયિની માતા પ્રત્યેનો અખૂટ પ્રેમ દર્શાવે છે.
દંતકથા પ્રમાણે વિષ્ણુ ભગવાનના વરદાનથી તેમના વામ કુક્ષમાંથી જન્મેલા દૈત્ય દુરમડને સતયુગમાં દેવી વરદાયિની માએ બચાવ્યા હતાં.તેમને વડુચી માં તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેમને વરદાક્ષિણી કે વરદાયિના માતા તરિકે પણ ઓળખે છે. દેવોની પ્રાર્થના સાંભળી વરદાયિની માતાએ દરમડ નામના રાક્ષસને મારી લોકોને દૈત્યના ત્રાસમાંથી છોડાવ્યા હતાં. ત્યારબાદ ત્રેતાયુગમાં રામ,સીતા અને લક્ષ્મણ જ્યારે દંડકારણ્યામાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે સંતશ્રી રંગીના આદેશથી રૂપાલના પરિસરમાં રાત વાસો કર્યો હતો. ત્યાં વરદાયિની માતાની પૂજા અર્ચના કરી તેમને વિનવ્યા હતાં. આ માટે વરખડા નામના વૃક્ષ હેઠળ બેસી તપ કર્યું હતું. દેવીએ પ્રસન્ન થઈ એવું એક દિવ્યાસ્ત્ર આપ્યું હતું જેનાથી રાવણનો સંહાર શક્ય બન્યો હતો.
બીજી દંતકથા પ્રમાણે દ્વાપર યુગમાં અજ્ઞાત વાસમાં રહેતા પાંડવો રૂપાલ પાસેના જંગલમાં આવી વસેલા.ત્યાં પાંચ ધાતુમાંથી માતાજીની મૂર્તિ બનાવી હતી.વરખડાના વૃક્ષ નીચે તેને પ્રસ્થાપિત કરી અને તેનું નિયમિત પૂજન કરતાં હતાં.તેમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માતાજીએ તેમને અજ્ઞાત વાસમાં રહીને તેમની પોતાની જાત સંતાડી શકે તેવા વસ્ત્રો આપ્યા હતાં.જે પહેરીને અજ્ઞાત વાસનું તેરમું વર્ષ તેઓ સહેલાઈથી પસાર કરી શકે.જ્યારે અજ્ઞાતવાસનું તેરમું વર્ષ પૂરૂ થયું ત્યારે તેઓ માતાજી પાસે ગયાં.તેમની પૂજા અર્ચના કરી અને સોનાની પલ્લીમાં તે મૂર્તિને બેસાડીને સરઘસ કાઢ્યું હતું.આ પલ્લી પૈડા અથવા રથ વગરનો હતો.
મહાભારતના વિરાટ પર્વમાં પણ એવો ઉલ્લેખ છે કે ભગવતી આર્યાની પૂજા અર્ચના કરી પાંડવાઓએ તેમના શસ્ત્રો શમી વૃક્ષ નીચે છુપાવ્યા હતાં.અને માં ભગવતીએ તેમને વરદાન આપ્યું હતું.માતાજી ત્યારથી જ વરદાયિની અથવા તો વરદાક્ષિણી ના નામથી ઓળખાય છે.રૂપાલ ગામનું નામ પણ આમ જોવા જઈએ તો મૂળરાજ સોલંકીના વખતથી જાણીતું છે. “ સ્થળપ્રકાશ ” નામના ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે સં.924 ની કાર્તિક સુદી પુનમે વિદ્વાન નિષ્ણાંત બ્રાહ્મણોએ 66 ગામો દાનમાં આપ્યા હતાં. જેમાં રૂપાલ પણ એમાનું એક ગામ છે.
સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્મા ઉપરની ચડાઈમાં મેળવેલી જીત ભગવતીની કૃપાથી થઈ છે.તેવું માનતા આ મંદિર બંધાવવામાં આવ્યું હતું.જો કે તેમાં પાંડવોએ પંચધાતુમાંથી બનાવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.અને આ મૂર્તિ પૈડા વગરના રથમાં (પલ્લી) લાવવામાં આવી હોવાથી આ પલ્લીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.સ્કંધપુરાણમાં પણ વટયક્ષિણી તરીકે ઓલખાતી માં વડૂચીના બે સ્થાનકો છે.એક ખંભાતમાં અને બીજુ છે રૂપાલમાં.વડૂચી માની દંતકથા જૂનાગઢના રાજા નવઘણ પહેલા સાથે પણ વણાયેલી છે. જેસલને બહેન માનતા નવઘણે જેસલને સિંઘના હમીર સુરોના પંજામાંથી છોડાવવા વડૂચી માને વીનવ્યા હતા. વડૂચી માએ ચકલીનું સ્વરૂપ ધારણ કરીને રાનવઘણને ખંભાતનો અખાત પાર કરાવ્યો અને હમીર સુમરાને રાનવઘણે મારીને જેસલને છોડાવી.ત્યારથી વડુચી માનું સ્થાનક કચ્છના અખાતને કિનારે છે.અને સોરઠના હિરણ નદીના કિનારે છે.વરૂડી માનું સ્વરૂપ અતિ સુંદર ન હોવા છતાં તેમના સતના પ્રતાપે તેમને મંદિરો ઘણી જગ્યાએ જોવા મળે છે. કૂવામાં,ગોખલામાં,દરિયાકિનારે,નદી કે તળાવના કિનારે-તેમનાં મંદિર હોવાના કારણે એવું લાગે છે કે તેમનો સંબંધ પાણી સાથે છે.
સિદ્ધરાજ જયસિંહના સમયમાં રૂપાલમાં વરદાયિની માતાના મંદિરની રખેવાળી રાજપૂત કુટુંબને સોંપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં મુસલમાન રાજય થતાં તેમના દ્વારા રૂપાલના મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ માતાજીને મૂર્તિને રાજપૂતો સફળતા પૂર્વક પોતાને ધરે લઈ ગયા હતાં. મુસ્લિમ રાજ્યા જતાં પાછલથી રૂપાલ ગામના લોકોએ ભેગા થઈને વરદાયિની માતાનું મંદિર બંધાવ્યું હતું. તેમાં પથ્થરની મૂર્તિ પધરાવીને પલ્લીનો ઉત્સવ ચાલું જરાખ્યો હતો. ત્યારબાદ વિક્રમ.સં. 1930માં રૂપાલના નગરજનોએ રૂપાલમાં સુંદર ભવ્ય મંદિર બનાવ્યું અને દબદબાપૂર્વક માતાજીની આરસની મૂર્તિ ધાર્મિક વિધિ બાદ પધરાવી.અત્યારે આ જગ્યાએ મંદિરની પાછળના ભાગમાં માનસરોવર નામનું તળાવ આવેલું છે.
આજે પણ આસો સુદ નોમના દિવસે માતાજીની દબદબાભેર પલ્લી નીકળે છે. જો કે અત્યારના સમયમાં તો તેનો એટલો બધો પ્રચાર ગણો કે સત ગણો પરંતુ એટલું બધું વધી ગયું છે કે આ દિવસે રીતસરની ઘીની નદીઓ વહે છે. કારણ કે આ દિવસે લોકો પોતાની માનતા પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં માતાજીની આ પલ્લી ઉપર ઘી નાંખતા હોય છે જેનું પ્રમાણ એટલું બધું હોય છે કે તમને ત્યાનું દ્રશ્ય જોઈને એવું લાગી ઉઠે કે સાચે જ કળયુંગમાં શ્રદ્ધા તો આનું નામ.
પલ્લી એટલે માતાજીનું સરઘસ. નવરાત્રિના પહેલા દિવસથી જ માતાના જ્વારા વવાય છે. રોજ માતાજીની પૂજા થાય છે. આઠમના દિવસે મોટો હવન થાય છે. અને નોમના દિવસે આ પલ્લી નીકળે છે.પલ્લી એટલે લાકડાનો ધોડા વગરનો રથ. માતાજીના પલ્લીરથ માટે ગામમાં વસતા અઢારે આલમના લોકોને સેવા આપવામાં આવી છે, અને સૌ પોતપોતાની સેવા સાચી શ્રદ્ધા-ભકિતથી કરે છે. ગામના વાલ્મીકિ ભાઈઓ પલ્લીરથ માટે ખીજડાનું વૃક્ષ કાપી લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે.રથ ઘડીને તૈયાર થાય એટલે વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે કારણ કે મા ને વાસમાં જયાં વરખડામાં હતો.વાળંદભાઈઓ સોટા બાંધી રહ્યા પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબી ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. તે જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે.પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે.પછી માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે, અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે.માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેધ ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે.
માની પલ્લી સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ ગામના નવજુવાનિયાઓની ટોળકી જય અંબે જય અંબેના ગગનભેદી નાદ કરતાં નાચતા-કૂદતા ચાવડાને બોલાવવા જાય છે.અને ચાવડાભાઈઓ ઉઘાડી તલવારે હાથમાં ખીચડાની છાબ લઈને પલ્લી પાસે આવે છે. ત્યારબાદ બંધાણી ભાઈઓ શ્રીફળ, હાર, ઘી તથા અખંડ જયોત કે જેનાથી પલ્લી પ્રગટ કરવાની હોય છે તે જયોત અને આરતી તથા પૂજાપાની થાળી સાથે હાજર થાય છે. શુકલ ભાઈઓ માની પૂજા કરાવે છે.પલ્લીને મીંઢળ બાંધીને સપ્તપદી કરવામાં આવે છે.પૂજન-અર્ચન બાદ બંધાણીભાઈઓએ લાવેલો માનો પ્રસાદ તથા ચાવડા ભાઈઓની છાબ માની પલ્લી વરચે મૂકવામાં આવે છે. ત્યારબાદ પટેલ ભાઈઓ પલ્લીની જયોત પ્રગટાવે છે અને નવરત્ન દીવડાથી પલ્લીની આરતી ઉતારવામાં આવે છે.રાવળભાઈઓ ઢોલ વગાડે છે અને વાણિયા, બ્રહ્મભટ્ટ,પટેલ વગેરે જ્ઞાતિના ભાઈઓ મઘ્યરાત્રિએ પલ્લીરથનું પ્રયાણ કરાવે છે.હરિજનો ખીજડાનું વૃક્ષ લાવીને ગામની વચ્ચે રોપે છે.માતાજીનો રથ ગામની વચ્ચે પહોંચે એટલે મૂર્તિને થોડીવાર માટે ખીજડાના વૃક્ષની નીચે રાખવામાં આવે છે.આમ પૂજા અર્ચના બાદ પલ્લીમાં મૂર્તિને પરીથી પધરાવીને દરેક ચકલે ઘીથી પૂજા અર્ચના કરવામાં આવે છે. વાજતે-ગાજતે પલ્લી ગામનાં 27 ચોકઠાં પસાર કરે છે
એવી રીતે એક માન્યતા એવી છે કે ગુપ્તવાસ દરમ્યાન ખીજડાના ઝાડની નીચે પોતાના કપડા છૂપાવ્યા હતાં તેથી જ ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવવામાં આવે છે. આ રથનું જો વર્ણન કરવામાં આવે તો ખીજડાના લાકડામાંથી અને વખડાના સોટામાંથી મઢેલો પંચડીપનો મહાકાય રથ,પંદર ફુટ ઊંચો,ક્રૂંડા,તોતિંગ કુંડા ચાર્યો ચાડાને સાંકળીને વચ્ચો ઊંચે મથાળે માથોડાતો મેર,ચાર ચાડાને પાંચમાં મેર પરનાં મોટા મોટા કુંડામાં ઘીથી છલોછલ ભડભડ ચાલતી માની મહાજ્યોત એટલે પલ્લી.ઘણા વર્ષો પહેલા સોલંકી વંશના મહારાજ સિદ્ધરાજે વરદાયિની માતાની પંચધાતુંની મૂર્તિ બનાવીને તેની પ્રાણપ્રતિષ્ઠા કરેલી અને તેની રખેવાળી ચાવડા વંશના રાજપૂતો કરે છે તેથી અત્યારે હાલમાં પણ ચાવડા વાસમાં આ મંદિર મોજુદ છે.
યાંત્રિક યુગમાં પણ વરદાયિનીનો મહિમા અપરંપાર છે. 21 મી સદીના વૈજ્ઞાનિક યુગમાં અંધશ્રદ્ધા ભલે કહેવાતી હોય પરંતુ હજારો મણ શુદ્ધ ઘીની પલ્લીના રથ ઉપર રેલમછેલ થાય છે અને રથ પસાર થઈ ગયા પછી રહી જાય છે રસ્તા ઉપર ઘીની વહેતી નદીઓ આ યુગની હકીકત છે.આ પલ્લીને જૉવા-જાણવા માટે,મા વરદાયિનીનાં દર્શન માટે ગાંધીનગર અને કલોલથી રૂપાલના રોડ ઉપર હજારોની સંખ્યામાં નાનાં મોટાં વાહનોની વણથંભી વણજાર લાગી જાય છે. કહેવાય છે કે દર વર્ષે આ મેળાનો મહિમા વધતો જાય છે અને લાખો લોકો આ સેંકડો વર્ષોથી ભરાતા મેળામા માં વડેચીના પલ્લીના રથ ઉપર પોતાની મનવાંરિછત ઉપાસના પૂરી થયાની તૃપ્તિમાં ઘી ચઢાવવા પડાપડી કરતા હોય છે અને હજારો મણ ઘી પલ્લીના રથનાં ચરણોમાં હોમાય છે, અને રસ્તાઓ ઉપર રીતસરની ઘીની નદીઓ વહે છે.જ્યારે આ દ્રશ્યને જો રૂબરૂમાં જોયું હોય તો જ તેનો મહિમાં તમે જાણી શકો બાકી અહીંયા વર્ણન કરવું અશક્ય છે. પરોઢિયે લગભગ ચારેક વાગ્યે માતાજીને રથ મંદિરમાં પાછો પહોંચે છે.જ્યાં માતાજીની પ્રદક્ષિણા કરીને આરતી થાય છે. તથા ગરબા ગવાય છે. મંદિરના પાછળના ભાગમાં આવેલા તળાવને લોકો ચમત્કારીક માને છે. કારણ કે પલ્લી ઉપર ઘી ચડાવતી વખતે શરીર તથા કપડા ઉપર પડેલ ઘીના ડાઘા આ તળાવમાં ધોવાથી એકદમ સ્વચ્છ થઈ જાય છે.નવરાત્રિની પર્વ દરમ્યાન ઉજવવામાં આવતું આ પર્વ દિવાળીની ઝામકઝોળને પળ ભુલાવી દે તેવું હોય છે. જે લોકોએ માતાજીની બાધા રાખી હોય છે તે લોકો પોતાના ધરે કુંભનું સ્થાપન કરે છે.જ્વારા વાવીને નવરાત્રીના નકોરડા ઉપવાસ કરે છે.પલ્લી બાદ લોકો દશેરાના દિવસે પોતાના ઉપવાસ છોડતા હોયછે. અને આ પલ્લીની જ્યોત શરદપૂનમ સુધી પ્રજવ્યા કરે છે.
0 comments:
Post a Comment