હાલ માં ચાલી રહેલ કુંભ મેળાનો મહિમા અંગેની થોડી માહિતી રજૂ કરું છું.
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ ચાર વેદ ઉપરાંત પુરાણો, પ્રાચિન સંસ્કૃત ગ્રંથો ઉપરાંત જ્યોતિષીય ગ્રંથોમાં ‘કુંભ’ના ઉલ્લેખ સાથે કુંભ મેળાની ઉત્પત્તિ અનાદિ કાળમાં થઈ હોવાનું મનાય છે. હિંદુ પૌરાણિક માન્યતા મુજબ દેવ-દાનવોએ સાથે મળી સમુદ્ર મંથન કરતા અમૃત કુંભ નિકળતા દેવ-દાનવો વચ્ચે તે મેળવવા સંઘર્ષ થતા ઇન્દ્રદેવ પુત્ર જયંત અમૃત કુંભ લઇ આકાશ માર્ગે ભાગતા દાનવોએ તેનો પીછો કર્યો. એ વખતે થયેલ ઝપાઝપીમાં પ્રયાગરાજ નજીક ગંગા-યમુના-સરસ્વતી નદી સંગમક્ષેત્ર, ગંગા નદી હરિદ્વાર, ગોદાવરી નદી નાસીક અને શિપ્રા નદી ઉજ્જૈનમાં કુંભ છલકાતા અમૃત જમીન પર પડતા આ ચારેય પવિત્ર સ્થળોએ દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે. આ અંગે ઋગ્વેદમાં પ્રયાગરાજ સ્નાન યાત્રાનો ઉલ્લેખ છે. મહર્ષિ વેદ વ્યાસ મહાભારત ગ્રંથમાં પાપકર્મોના દોષોથી મુક્ત થવા પ્રાયશ્ચિત સાથે નિર્મળ ભાવે પ્રયાગમાં સ્નાન કરવાનો મહિમા બતાવ્યો છે. તો બૌદ્ધ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં પણ ભગવાન બુદ્ધે પાયાગા (પ્રયાગ)માં સ્નાનની વાત કરી છે.
સન 644માં બૌદ્ધ ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગે અસંખ્ય મંદિરો સાથે બૌદ્ધ વિહારોથી શોભતી રાજા હર્ષવર્ધનની રાજધાની પ્રયાગની મુલાકાત લેતા અહીં ગંગા, યમુના અને સરસ્વતિ નદી સંગમ સ્થળે ભરાયેલા કુંભ મેળાનો ઉલ્લેખ કર્યો હોઇ જે કુંભ મેળાનો ઐતિહાસિક પુરાવો છે, જોકે ‘કુંભ મેળા’ની હાલની પરંપરા ઇસુની આઠમી સદીમાં મહાન તત્વ ચિંતક જગતગુરુ શંકરાચાર્યજીએ શરૂ કરાવી હોવાનું મનાય છે. સનાતન ધર્મને પુનર્ગઠીત સાથે ચેતનવંતો કરવા ચાર જ્યોતિર્મઠ શૃંગેરી, પુરી, જોષીમઠ અને દ્વારકામાં સ્થાપના સાથે મહાનિર્વાણી, અટલ, નિરંજની, આનંદ, જૂના, આવાહન અને અગ્નિ એમ 7 શૈવ અને નિર્વાણી, દિગંબર અને નિર્મોહી એમ 3 વૈષ્ણવ અખાડા સાથે દશનામી અખાડાઓની સ્થાપના કરી સનાતન ધર્મ રક્ષાની જવાબદારી સોંપી હતી, જોકે સમયાંતરે બડા પંચાયતી ઉદાસીન, છોટા પંચાયતી ઉદાસીન અને નિર્મલ એમ 3 અખાડાનો ઉમેરો થતા હાલ 13 અખાડા છે. જગતગુરુ શંકરાચાર્યજીએ સ્થાપેલ ચાર જ્યોતિર્મઠની શંકરાચાર્યજીના અધ્યક્ષ સ્થાને 13 અખાડાઓના સહયોગ સાથે સનાતન ધર્મના દરેક સંપ્રદાયો અને શાખાઓ કુંભ મેળામાં ભાગ લે છે. હિંદુ પંચાગ મુજબ ગુરુ, સૂર્ય, ચંદ્ર તેમજ ગ્રહો અને નક્ષત્રોની જ્યોતિષીય સ્થિતિ આધારે દર 12 વર્ષે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં કુંભ મેળો ભરાય છે, કુંભ મેળાનો મુખ્ય ઉદ્દેશ સનાતની શ્રદ્ધાળુઓને આત્મશુદ્ધિની તક આપતા નિર્મળ ભાવથી મેળામાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી સંગમક્ષેત્રમાં સ્નાન કરવાથી પાપોનો નાશ સાથે મોક્ષ પ્રાપ્તિનો છે. કુંભ મેળો ઋષિઓ, સાધુ-સંતો, ગુરુઓ અને ભક્તોનો સામુહિક મેળાવડો છે, જ્યાં લોકો ભક્તિ, જ્ઞાન સાથે સેવાની આપલે કરે છે. કુંભ મેળો શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન માટે ઉત્તમ મનાય છે.
પ્રયાગ કુંભ મેળાનો ઉલ્લેખ સંત તુલસીદાસ કૃત રામચરિત માનસ, મુસ્લિમ ગ્રંથ આઈન-એ-અકબરી (સન 1590, તબાકત-એ-અકબરી (16મી સદી)માં થયેલો છે. જોકે કુંભ મેળામાં દશનામી અખાડાઓ વચ્ચે પ્રથમ સ્નાન કોણ કરે ? તે અંગે વિવાદો સાથે હિંસક અથડામણો થતા સન 1760 અને 1796 હરિદ્વાર તેમજ 1789માં નાસિક કુંભ મેળામાં હજારો સાધુઓ માર્યા ગયા હતા. જોકે સન 1870થી તેર અખાડાનો સ્નાન ક્ર્મ ગોઠવી દેવામાં આવતા સ્નાન ક્રમના કારણે હિંસા અટકી છે. એન્સાયક્લોપીડિયા બ્રિટાનીકા અનુસાર કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો મનાય છે, જેને યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે બિરદાવ્યો છે.
કુંભ મેળામાં 1820માં હરિદ્વાર, 1954માં પ્રયાગરાજ, 1986માં નાસિક તેમજ 2025 પ્રયાગરાજમાં નાસભાગને કારણે શ્રદ્ધાળુઓના મોત થયા છે. કુંભ મેળાએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી. સન 1906 પ્રયાગ કુંભમાં સનાતન ધર્મ સભા આયોજન વખતે મદન મોહન માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપનાનો સંકલ્પ કર્યો, તો 1964 હરિદ્વાર કુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી. કુંભ ઉત્સવ ભવ્યતા સાથે ભાઈચારા અને પ્રેમના સંદેશ સાથે લાખો લોકો શાંતિપૂર્ણ સુમેળભર્યા વાતાવરણમાં સમભાવના સહિયારા પ્રયાસથી ધાર્મિક એકતાની ગહન ભાવનાને ઉત્તેજન આપે છે. મેળા દરમિયાન ઉત્પન્ન થતી સામૂહિક ઉર્જા સામાજિક બંધનો મજબૂત બનાવી વ્યક્તિગત અને સાંપ્રદાયિક ચેતનાને ઉન્નત કરે છે, હકિકતમાં કુંભ મેળો હિંદુ ધર્મની સાધુ, સંસ્કૃતિ અને સમાજને જોડાતો પવિત્ર ત્રિવેણી સંગમ છે. કુંભ મેળા દરમિયાન સાધુ-સંતો સાથે શ્રદ્ધાળુઓ ત્રિવેણી ક્ષેત્રમાં સ્નાન કરી ધન્યતાની લાગણી અનુભવતા વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવમય બની જાય છે. કુંભ મેળા દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ નદી કિનારે એકાંતમાં રહે છે, જેને ‘કલ્પવાસ’ કહેવામાં આવે છે.
0 comments:
Post a Comment