'સૈયારા'માં એવું તે શું છે? .
સિનેમા એક્સપ્રેસ - રવિ પૂર્તિ -ગુજરાત સમાચાર
કોમેડિયન કપિલ શર્માને આજકાલ ટેન્શનનો પાર નથી. કેમ? કેમ કે એના કૉમેડી શોને ઝાંખો પાડી દે એવો એક બીજો કૉમેડી શો આજકાલ બમ્પર હિટ થઈ ગયો છે. સાચ્ચે, આ નવા કૉમેડી શો જોઈને તમે દાંત કાઢી કાઢીને ઊંધા પડી જાઓ છો ને હસી હસીને તમારૃં પેટ દુખવા લાગે છે. આ કૉમેડી શોનું નામ છે, 'સૈયારા'. એક મિનિટ. 'સૈયારા' પોતે તો ફુલલેન્થ રોમેન્ટિક ફિલ્મ છે, પણ આપણે જે સૉલિડ કૉમેડી શોની વાત કરી રહ્યા છીએ તે સ્ક્રીન પર નહીં, પણ સ્ક્રીનની સામે ભજવાય છે - ઓડિયન્સમાં. કૉમેડી કરનારાઓ છે, ફિલ્મ જોવા આવેલાં અઢાર-વીસ-બાવીસ વર્ષનાં જુવાનિયાઓ અને જુવાનડીઓ.
'સૈયારા'નાં નાયક-નાયિકાના જીવનમાં પેદા થયેલી કરૂણતા જોઈને એમનાં ઋજુ હૈયાંને એવાં વીંધાઈ જાય છે કે ફિલ્મ પૂરી થતાં સુધીમાં તો તેઓ ભેંકડા તાણીને રડવા લાગે છે. કોઈ હિબકે ચડી જાય છે, તો કોઈની આંખોમાંથી બોર-બોર જેવડાં આંસુડાની ધાર અટકવાનું નામ લેતી નથી. કોઈ પાતળિયો યુવાન શર્ટ કાઢીને, હાથ પહોળા કરીને ચીસો પાડવા લાગે છે. કોઈ સ્ક્રીનની સાવ નજીક જઈને નીચે ફ્લોર પર ધડામ્ કરતો પટકાય છે. કોઈ પાપા કી પરી બેશુદ્ધ થઈને ઢળી પડે છે ને એને ભાનમાં લાવવા માટે રીતસર ડૉક્ટરને બોલાવવો પડે છે. કોઈ મમ્મીનો લાડલો કદાચ સીધો હોસ્પિટલમાંથી ફિલ્મ જોવા આવી ગયો છે, કેમ કે એને હજુ ગ્લુકોઝનો બાટલો ચડાવેલો છે. કોઈને હોશમાં લાવવા માટે મોઢા પર મિનરલ વોટરની છાલકો મારવી પડે છે, તો કોઈને બન્ને બાવડેથી ઝાલીને માંડ માંડ ઓડિટોરિયમમાંથી બહાર કાઢવા પડે છે. ટૂંકમાં, 'સૈયારા' જોઈને જેન-ઝી તરીકે ઓળખાતું ભારતનું યુવાધન અત્યંત ભાવવિભોર થઈ ગયું છે, સાગમટે વશીભૂત થઈ ચૂક્યું છે. હજુ એક વાત. પરમકૃપાળુ પરમેશ્વરની દયાથી 'સૈયારા' સુખાંત એટલે કે હેપી એન્ડિંગ ધરાવે છે. કલ્પના કરો કે આ ફિલ્મ જો દુખી અંત ધરાવતો હોત, કાં હીરો અથવા હિરોઈન અથવા બન્ને ફિલ્મના એન્ડમાં ધારો કે ગુજરી જતાં હોત, તો આ મુગ્ધ જુવાનિયાઓ શું કરત? થિયેટરોને આગ જ ચાંપી નાખતને?
સોશિયલ મીડિયા પર શૅર થતાં આ બધા કૉમેડી વીડિયો જોઈને તમારું હસવું માડં માંડ અટકે પછી તમને સવાલ થાય કે, લે! ભારતની આ મહાતેજસ્વી યુવાન પેઢી મહાઇમોશનલ પણ છે તે સત્ય કેમ ધ્યાન બહાર રહી ગયું? ઓહોહો! આટલી બધી સંવેદનાઓ! એમનામાં પંદર-વીસ સેકન્ડ્સની રીલ જોવાની પણ ધીરજ નથી, તેવા આ કોલેજિયન બાબાબેબીઓએ અઢી-ત્રણ કલાક એક જ જગ્યાએ બેસી રહીને આખેઆખી 'સૈયારા' ફિલ્લમ જોઈ કાઢી? ધન્ય છે! વડીલો તો એવું માનતા હતા કે આ તો ડેટિંગ એપ્સ પર રાઇટ સ્વાઇપ-લેફ્ટ સ્વાઇપ કરનારી ઉછાંછળી પેઢી છે. સોમવારે પ્રેમમાં પડીને, બુધવારે બ્રેક-અપ કરીને, ગુરૂવારે એકબીજાને બ્લૉક કરીને, શુક્રવારે મૂવ-ઓન થઈ જઈને, વીકએન્ડમાં નવા પાત્ર સાથે રોમાન્સ-રોમાન્સ ખેલનારી પેઢી છે. આ લોકો તો સિચ્યુએશનશિપ કરી જાણે, એમને તે વળી અસલી પ્યાર-મહોબ્બત ને દિલના દર્દની શી ખબર પડે? પણ અહો! આ નિબ્બા-નિબ્બી તો મારાં બેટાં કરૂણાના મહાસાગર નીકળ્યાં! વિચાર કરો કે જો તેઓ ફિલ્મી પાત્રોના દુખે દુખી થઈને જાહેરમાં આ કક્ષાની અભિવ્યક્તિ કરતા હોય તો એમની ખુદની, એમની પોત્તાની લવલાઇફની તીવ્રતા કઈ કક્ષાની હશે!
આ એક કૉમેડી શો થયો. સોશિયલ મીડિયા પર સમાંતર એક બીજો કૉમેડી શો પણ ચાલી રહ્યો છે. એ છે આ યુવા નર-નારીઓની ભાવપ્રચુર ચેષ્ટાઓ જોઈને એમની જબરદસ્ત મજાક ઉડાડતા રીલબાજોનો શો. તેઓ આ રડકુ છોકરાછોકરીઓની ફાંકડી નકલ કરે છે ને એમાં પોતાના રંગો ઉમેરે છે. એમના અતિશયોક્તિપૂર્ણ વીડિયો પણ ખૂબ એન્ટરટેનિંગ છે. આ બન્ને પ્રકારના વીડિયોનો ધોધમાર વરસાદ વરસતો જોઈને 'સૈયારા'ના ડિરેક્ટર મોહિત સુરી અને પ્રોડયુસર-પ્રેઝન્ટર આદિત્ય ચોપડા પણ
અચંબિત થઈ ગયા હશે!
સહેજે સવાલ થાય: ૨૨ એપ્રિલે જ્યારે કાશ્મીરના પહેલગામમાં ટેરરિસ્ટ અટેક થયો હતો અને ૨૬ નિર્દોષ નાગરિકોને હણી નાખવામાં આવ્યા હતા ત્યારે 'સૈયારા' વાઇરસનો ભોગ બનેલા આ યુવાનયુવતીઓની સંવેદનાઓ જાગૃત થઈ હતી ખરી? ચાલો, એ પણ જવા દો. 'છાવા' ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજ પર અમાનવીય અત્યાચારનાં જે ભયાનક દ્રશ્યો છે, તે જોઈને તેમની આંખો ભીની થઈ હતી ખરી?
મસ્તીમજાક બાજુમાં રાખીને જરા ગંભીર થઈએ, તો હકીકત આ છે: 'સૈયારા' જોઈને તીવ્ર ઇમોશનલ રિસ્પોન્સ આપનારા પેલા યંગસ્ટર્સ તો અપવાદરૂપ છે. તેઓ કંઈ સમગ્ર ભારતીય યુવાવર્ગનું પ્રતિનિધિત્વ કરતા નથી. આપણને આપણા યુવાધન માટે ખરેખર વહાલ છે ને ગર્વ છે જ. આમેય પેલા ભાવુક જુવાનિયાઓની જાહેરમાં એટલી બધી ઠેકડી ઉડી ચૂકી છે કે તેઓ કુચેષ્ટાઓ કરતાં બંધ થઈ ગયા છે. ઓડિયન્સની ઇમોશનલ પ્રતિક્રિયાના વીડિયો જો પબ્લિસિટી કેમ્પેઇનનો હિસ્સો હોય તો કબૂલવું પડે કે આ સ્ટ્રૅટેજી સફળ થઈ છે. ધારો કે રોકક્કળના વીડિયો સાચુકલા હોય તો પણ ઢીલાઢફ થઈ ગયેલા બોલિવુડ માટે તો તે ગુડ ન્યુઝ જ છે. બેડ ન્યુઝ એ છે કે ચક્રમ જેવા ક્રિન્જ વીડિયોઝને કારણે ભાવુક જુવાનિયાઓ જ નહીં, ફિલ્મ પણ હાંસીને પાત્ર બની રહી છે. બાકી સિનિયર પ્રેક્ષકોએ તો સિંગલ સ્ક્રીનના જમાનામાં આ પ્રકારનો હિસ્ટીરીયા જોયો જ છે - તાનમાં આવી જઈને ચલણી સિક્કા ઊછાળવા, 'જય સંતોષી મા' જેવી ફિલ્મમાં સ્ક્રીન પર દેખાતાં દેવીની આરતી ઉતારવી ને એવું બધું.
બાકી 'આશિકી' પ્રકારની લવસ્ટોરી ગમતી હોય ને ઊંચી અપેક્ષાઓ ન રાખી હોય તો 'સૈયારા' વન-ટાઇમ-વૉચ છે. બન્ને નવોદિત કલાકારો - અહાન પાંડે અને અનીત પદ્દા - સરસ છે, ખાસ્સાં પ્રોમિસિંગ છે. શું 'સૈયારા' નવી પેઢીની 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' છે? શું અહાન, રણબીર અને રણવીર પછીનો શ્રેષ્ઠ ન્યુકમર છે? આવી બધી સરખામણીઓથી બચીએ. હા, એક વાત નિશ્ચિત છે કે આ ફિલ્મ પછી ડિરેક્ટર મોહિત સુરી જુદી જ ભ્રમણકક્ષામાં મૂકાઈ ગયા છે. એમણે અગાઉ પણ હિટ ફિલ્મો આપી છે, પણ 'સૈયારા'ની સુપર સફળતા પછી બોલિવુડમાં હવે એમનું નામ ખાસ્સું વજનદાર બની ગયું છે. ગુડ ફોર હિમ!
શો-સ્ટોપર
'આજે જેમનાં લગ્નને પાંત્રીસ-ચાલીસ-પચાસ વર્ષ થઈ ગયાં છે તેઓ શું કમ્પેટિબિલિટી જોઈને પરણ્યાં હતાં? ક્યા ઉખાડ લોગે કમ્પેટિબિલિટી ઢૂંઢ કે? જો સામેની વ્યક્તિ સાથે ૧૦ ટકા, ૨૦ ટકા, બહુ બહુ તો ૩૦ ટકા વિચાર પણ મળતા હોય તો એની સાથે પરણી જવું જોઈએ.'
-અનુપમ ખેર
-શિશિર રામાવત
#saiyaara #CimeaExpress #ravipurti #gujaratsamachar
0 comments:
Post a Comment