ભક્ત બાણાસુરનું રક્ષણ કરવા
ભગવાન શિવે ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરેલું અનોખું યુદ્વ
ભક્ત પ્રહ્લાદના પૌત્ર બલિરાજાને દાનેશ્વરી કહેવામાં આવે છે. બલિરાજાના સો પુત્રોમાંનો સૌથી મોટો પુત્ર બાણાસુર પણ પરાક્રમી, પ્રતિજ્ઞાાપાલક અને ભગવાન શિવજીનો પરમ ભક્ત હતો. અસુરરાજ બાણાસુરે હિમાલયમાં આવેલા કેદારનાથની પાસે રહેલા શોણિતપુરને પોતાની રાજધાની બનાવી હતી. બાણાસુર સહસ્ત્રબાહુ હતો. તેણે અગણિત વર્ષો સુધી શિવજીની ઉગ્ર આરાધના કરી હતી. તે એક રસલિંગમ્ની પૂજા કરતો હતો જે તેને ભગવાન વિષ્ણુના કહેવાથી વિશ્વકર્માએ આપ્યું હતું. શિવજી જ્યારે લયબદ્ધ તાંડવ નૃત્ય કરતા ત્યારે બાણાસુર તેના હજારો હાથોથી વિવિધ વાદ્યો અને મૃદંગ વગાડી એમના નૃત્યમાં સંગત કરતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે તેણે માંગ્યું હતું - જેમ મારા પિતા બલિરાજાને ત્યાં ભગવાન વિષ્ણુ 'ઉપેન્દ્ર' રૂપે એમના મહેલ અને નગરની રક્ષા કરતા હતા તેમ તમે મારી રાજધાનીમાં સદા નિવાસ કરી મારી બધી રીતે રક્ષા કરતા રહેજો. ભગવાને તથાસ્તુ કહી તેને તે વરદાન આપી દીધું હતું.
શાસ્ત્રોમાં કહેવાયું છે - અપાર બળ, ઉચ્ચ વિદ્યા, પ્રચુર ધન-સંપત્તિ અને અમર્યાદિત સત્તા પ્રાપ્ત થાય એટલે અભિમાન આવ્યા વિના ના રહે. બાણાસુરને પણ તેના હજાર હાથ અને અપાર બળનું અભિમાન આવી ગયું. એક દિવસ અભિમાનના નશામાં ચકચૂર બની ભગવાન શિવજી પાસે આવીને તે કહેવા લાગ્યો - હે પ્રભુ, મારા હજાર હાથ મને ભારરૂપ લાગે છે. એમને કોઈ લડનારો જ મળતો નથી. એવું કરો કે જેથી તેમનો લડવા માટે ઉપયોગ થાય. શિવજી સમજી ગયા કે આને અભિમાનનો નશો ચડયો છે જે ઉતારવો જોઈએ. તેમણે બાણાસુરને એક ધ્વજા આપી અને કહ્યું - જે દિવસે આ ધ્વજા આપમેળે જમીન પર પડી જાય ત્યારે સમજજે કે તારાથી વધારે બળવાન યોદ્ધા તારી સામે લડવા આવશે અને તારા હાથનો ભાર દૂર કરશે. બાણાસુર એ ધ્વજા લઈને ત્યાંથી નીકળી ગયો.
એક દિવસ બાણાસુરની ૧૬ વર્ષની પુત્રી ઉષા (ઓખા)એ એના સ્વપ્નમાં એક સુંદર યુવાન જોયો. તેને તે ગમી ગયો અને સ્વપ્નમાં તેને પ્રેમ કરવા લાગી. ઉષાની સહેલી અને પ્રતિભાવંત ચિત્રકાર ચિત્રલેખા (ચિત્રરેખા)એ તત્કાલીન સુંદર રાજકુમારોના ચિત્રો દોરી તેને બતાવવા માંડયા. ચિત્રલેખાએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધનું ચિત્ર દોર્યું ત્યારે ઉષાએ શરમાઈને ખુશીથી કહ્યું - 'આ જ એ સુંદર યુવક છે જે મને સ્વપ્નમાં દેખાયો હતો અને હું જેના પ્રેમમાં પડી ગઈ છું.' ચિત્રલેખા તેના યોગબળથી રાત્રે પલંગમાં સૂતેલા અનિરુદ્ધને લઈ આવી અને ઉષાના મહેલમાં મૂકી દીધો. ઘણા દિવસો સુધી આ રીતે તે ઉષાના અંત:પુરમાં રહ્યો અને તેના સંવનન તથા પ્રેમને પ્રાપ્ત કરતો રહ્યો. બાણાસુરને આ વાતની ખબર પડી એટલે તેણે ત્યાં આવી અનિરુદ્ધને પકડી લીધો અને તેને બાંધીને કેદમાં પૂરી દીધો.
સતત, સર્વત્ર પરિભ્રમણ કરનારા નારદજીએ આ સમાચાર યાદવોને અને ભગવાન શ્રી કૃષ્ણને આપ્યા. આ સાંભળીને શ્રી કૃષ્ણે મોટી સેના લઈને શોણિતપુર પર ચઢાઈ કરી. બાણાસુરે આવીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માંડયું. તે વખતે ભગવાન શિવે બાણાસુરને આપેલી પેલી ધ્વજા જમીન પર પડી ગઈ. બાણાસુરને લાગ્યું કે તેના માટે શ્રી કૃષ્ણનો સામનો કરવો શક્ય નથી એટલે તેણે તેના આરાધ્ય અને રક્ષક ભગવાન શિવનું સ્મરણ કરવા માંડયું. શિવજીએ પ્રગટ થઈ તેને પૂછયું - 'તું શું ઈચ્છે છે ?' તેણે કહ્યું - 'તમે મારા વતી યુદ્ધ કરો. ભક્તેચ્છાપૂરક ભગવાન શિવ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. બન્ને આદિદેવો વચ્ચેનું યુદ્ધ 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું અકલ્પ્ય અને ભીષણ હતું. ભગવાન શ્રી કૃષ્ણે ભગવાન શિવના પાશુપતાસ્ત્ર વિરૂદ્ધ નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો, વાયવાસ્ત્ર વિરૂદ્ધ પર્વતાસ્ત્રનો, આગ્નેયાસ્ત્ર વિરૂદ્ધ પર્જન્યાસ્ત્રનો અને બ્રહ્માસ્ત્ર વિરૂદ્ધ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બલરામે બાણાસુરના સેનાપતિ વિરૂદ્ધ હુમલો કર્યો. સાંબે બાણાસુરના પુત્ર સાથે યુદ્ધ કર્યું. પ્રદ્યુમ્ને કાર્તિકેય સામે યુદ્ધ કર્યું. ભગવાન શ્રીકૃષ્ણે જમ્ભાકાસ્ત્રનો પ્રયોગ કર્યો એટલે શિવજી થોડી પળો માટે નિદ્રિત જેવા થઈ ગયા. તે વખતે ભગવાન શ્રીકૃષ્ણે એમના સુદર્શન ચક્રથી બાણાસુરની ભુજાઓ કાપવા માંડી. ભગવાન શિવે ભગવાન શ્રીકૃષ્ણને બાણાસુરને મારી ન નાંખવા અનુરોધ કર્યો. ભગવાને શ્રી કૃષ્ણે કહ્યું - 'તમે એને નિર્ભયતા પ્રદાન કરી છે, એના રક્ષક બન્યા છો અને તે ભક્ત પ્રહલાદનો પ્રપૌત્ર છે એટલે તેનો વધ તો કરવાના જ નહોતા. તમારી ઈચ્છા પ્રમાણે, તેનું અભિમાન દૂર કરવા માટે તે તેની હજાર બાહુઓથી કોઈની સાથે લડવા માંગતો હતો એટલે તેની વધારાની ભારરૂપ બાહુઓને જ દૂર કરી રહ્યો છું. ભગવાને તેની માત્ર ચાર જ ભુજાઓ રહેવા દીધી.
ભગવાન શિવ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો આ અદ્ભુત સંગ્રામ એ રીતે પૂર્ણ થયો. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે. હરિને હર પ્રિય છે અને હર (શિવ)ને હરિ પ્રિય છે એટલે એમની વચ્ચે કદી યુદ્ધ થવું સંભવ નથી પણ ભક્તને ખાતર શિવજીને શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવું પડયું. તે પછી ભગવાન શ્રી કૃષ્ણે વરદાન આપતા કહ્યું - 'આ બાણાસુર આજથી ભગવાન શિવનો મુખ્ય પાર્ષદ બનશે. તે હંમેશા અજર અને અમર રહેશે.' ત્યારથી બલિરાજા સાત ચિરંજીવીમાંના એક એવા અમરબની ગયા.
વિચાર-વીથિકા-દેવેશ મહેતા
Tags :
Dharmlok
0 comments:
Post a Comment