એક સમયે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર શિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વેહતા રેહતા. વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વરચે ધેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સતાધાર નું ડીંટ બાંધ્યુ હતું.
દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલા લાખુ(સુરઇ) ની કુખે એક તજસ્વી પુત્રનો જન્મ વિ.સ. ૧૮૩૩ માં થયો.ચલાળાની જગ્યામાં સેવાનુ કામ કરતા લાખુનાં પુત્રને જોઇ આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું, ,"લાખુ તારો પુત્ર ગેબની હારે વાતુ કરશે અને પ્રગટ પીર થઇને પુજાશે".બાળક ગીગો મોટો થતા માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રી માં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખુમા પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એક્માત્ર બંધન પણ ગીગાથી છુટી ગયું. હવેતો ભલી જગ્યા,ભલી ગાવતરી અને ભલા આપ દાના ત્રણે સિવાય ગીગાને બીજી કોઇ વાતની તમા નથી.
ગવતરી ની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઇશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ રટાય છે. લાંબો સમય વહી ગયો. એક દિવસ પાળિયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે. આપા વિસામણ અને આપાદાનાનાં આતરે ગાંઠીયું લાગી ગઇ છે. એક્ને જવાનુ મન નથી થતુ અને એક જવા દેતા નથી. જગ્યાની ઓશરીમાં બેય સંત મિત્રો બેઠા છે. રોજ આપા વિસામણ એક ચિત્તે છાણના સુંડલા સારતા ગીગાને જોયા રાખે.એક દિવસ આપા વિસામણ બોલ્યા "ભણે આપા દાના હવે આ સુંડલો ઉતારી પંજો મારો."
વરસાદના દિવસો હતા. ગીગાનું આખુ શરીર છાણથી લથબથ હતું. આપા દાનાએ હાલ મારી "ભણે ગીગા ઓરો આવ્ય." સંકોચાતા શરમાતો ગીગો પરશાળની કોરે આવયો. આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ગોઠડી મંડાણી. છેવટી આપા દાનાએ હાથ લાંબ કરી સુંડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢ્ળ્યુ અને માથે ગુરૂનો પંજો પડ્યો.
થોડા દિવસો વિત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો."ભણે ગીગા, હવે તું નોખું કરી લે."ગીગાની આંખમાંથી આસુની ધારા મંડાણી. "આપા, કાંણા સારું મુને રજા દયો છો? હું અને મારું કામ તમને નથી ગમતું?"
આપા દાના ખડ ખડ હસવા લાગ્યા. કહે " બેટા ગીગા, તું મારાથી સવાયો થાઇશ બા.પછમનો પીર ભણાઇશ.તમામ વરણ તને નમશે અને પરગટ પીરાણું થઇને જગતમાં ઓળખાઇશ." ગીગાભગતની આખુંમાથી ગુરૂ વિજોગે ચોધારા આસુંની ધારા વહી રહી છે. આપા દાના ગીગાને હરદય સરખો ચાંપીને માથે હાથ મુકે છે.આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા, જગાની ગાયું કેટલી?
"બસોને સોળ બાપુ."
"એના બે ભાગ કરોતો કેટલી આવે?"ગીગો કહે એકસોને આઠ!"
વળી આપા દાના હસી પડ્યા કહે, "વાહ બાપ ગીગા,તો તો ભારી મેળ બેસી ગયો.માળાના પારા એકસો ને આઠ અને તુંને ગાયું એક સો ને આઠ.લઇ જા હવે બાપ લઇ જા! ગીગા. કામધેનું, મુંડીયા અને અભ્યાગતો ને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક આવે ઇસે રોકાઇ જાજે. લે બાપ મારા તુને દિલના આશીષ છે!"
દાન મહારાજ ને દંડવટ પ્રણામ કરી, રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનક્માં ચક્કર માર્યુ. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધુળ માથે ચડાવી. એક સો ને આઠ ગાયુ લઇ સૌ પ્રથમ ચલાળા માં જયાં અત્યારે ફુલવાડી કેહવાય છે ત્યાં મઢુલી બાંધી. દશેક વિઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળી વાડી બનાવીને દાળ-રોટલાનું સદાવ્રત શરૂ કર્યુ. ફુલવાડી માં આસોપાલવ, જાંબુ,સીતાફ્ળી, ચિકું-જામફ્ળ જેવા વૃક્ષો અને જુઇ,ચમેલી,ચંપો જેવા ફુલ ઝાડ લેહરાવા લાગ્યા.આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફુલવાડીનાં નામે ઓળખાવા લાગી આજે બસો વર્ષથી તે જ નામે ઓળખાય છે.
આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સ્વધામ ગમન કર્યું. આપાદાનાનાં મુખ્ય બે શિષ્યો થયા, એક ચલાળાનાં મૂળીઆઈ અને બીજા આપા ગીગા.બેયને સગા ભાઇ બહેન કરતા પણ વધારે હેત. એક દી સાધુની જમાત ચલાળાને પાદર આવી પોંહચી અને સાધુઓ એ ફરમાન કર્યુ. ગીગા,"સબ સાધુકો માલપુઆ ખીલા દે આજ."
"બાપુ ! એટલો ખરચ કરવાની તેવડ નથી, ઠાકરને દાળ-રોટલાનો ભોગ ધરો." આપા ગીગા સમજાવા ગયા પણ પરપ્રાંતીય સાધુઓ ઉક્ળી ઉઠીયા.મુખ્ય મંહતનો હુક્મ થતા સાધુઓ એ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા.જમાતમાં લઇ જઇ પીપળા સાથે બાંધ્યા અને ચીપયાથી મારવાં લાગ્યા, ચલાળાનું માણસો ભેગુ થઇ ગયું પણ બાવા-સાધુની બીકે કોઇ આગળ આવતું નથી. એક જણે મૂળીઆઇને સમાચાર આપ્યા.
સમાચાર સાંભળતાની સાથે જ મૂળીઆઇ શ્વાસ ભેર દોડ્યા."હે, મારા ભાઇ ગીગલાને બાવા મારે છે?" માથેથી ઓઢળું લસરી પડ્યું. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપીયાની પ્રાછટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઉભા છે. દોળીને મૂળી આઇ આપાને વળગી પડ્યા. બાઇ માણસને વચ્ચે આવેલા જોઇ બાવા પણ રોકાઇ ગયા. મહંત કહે, "મૂળી યે તેરા ભાઇ હમકો માલપુઆ નહી ખીલાતા. મૂળી આઇ કહે "બાપુ, મારા ભાઇની ઝુપડી એટલી ખમતીધર નથી." "તો તુમ ખીલા" મહંતનો બીજો હુક્મ થયો." બાવાની જમાતને મૂળીઆઇ પોતાને ત્યાં લવ્યા અને માલપુઆ ખવરાવ્યાં. તોયે બાવાઓને સંતોષનાં થયોતો આપાની ઝુપડીમાં લુંટ ચલાવી. અપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી, બાવાના ચીપીયાનો માર ખાઇ,.આશ્રમ લુંટાવા દઇ, આપાએ ગાયુ સાથે ચલાળા છોડયું.સાથે થોડા મુંડીયા છે. બે ગોવાળીયા છે. શત્રુંજીના કાઠે હાલત હાલતા આબાં ગામની સીમમાં આવી પોહચ્યાં.
એ કાળે તો વરસાદની રેલમછેલ હતી.નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે.એમાં આપા ગીગાનું ધણ ચરે છે. આપા નદીની છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતાં. 'સત' સાથે લે લાગી ગઇ છે. આપાની સાથે આવેલા સાધુઓ અને બે ગોવાળો શેત્રુંજીમાં પડ્યા.બોહળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામાના ક્યાડા શાખાના ક્ણબીની વાડી.વાડીમાં શેરડી નો વાઢ નાખ્યો છે.કોઇને ખબર ન રહી અને એક્સો આઠ ગાયું આ વાડીમાં ઘુસી ગઇ.થોડીવારમાં તો શેરડીનાં ઉભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યો.
દીકરાના પાડના વાડમાં ગાયુ ચરતી જોઇ ડાયા પટેલનો પીતો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણો લઇ નદીમાં ઉતર્યો. આપા ગીગાની છીપર પાસે જઇ તેમના દેહ માથે પરોણાની પ્રાછટ માંડી બોલાવવા. આપાની આંખો બંધ છે. મનની સ્થીરતા ગુમાવી નથી.ગોવાળો અને સાધુઓ ઉભા ઉભા થથરે છે.માળાનો મેર પુરો કરી આપાએ આંખો ઉઘાડી. સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવ્યે રાખતા ડાયા પટેલ માથે સ્થીર થયા.'શું થયુ બાપ?' આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે.
" એ મલકના ચોરટા,ઊભો થઇને જોતો ખરો.આ તારી ગાયુંએ મારો વાઢ વીંખીં નાખ્યો.જોતો નથી ને ઉપર જતા ડાહયાપણાની વાતું કરશ? નુકશાની ભરી દે મારી. "ડાયા પટેલના રોષે માઝા મુકી દીધી છે."
આપા ગીગાએ ઊભા થઇ નજર કરી તો પટેલનાં વાડમાં પોતાની ગાયુ બેઠેલી જોઇ. મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા, ભણે મોળા બાપ! આમારી પાસે પૈસોતો નથી. તારી નુકશાનીના બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલો વાળી દેશું. અમારી ગાયુ શેતલ કાંઠાના ખડ ચરશે. અમે ઝૂંપડા વાળીને અહીંજ રોકાશું." ક્ણબીને વાત ગમી ગઇ.એ ક્બુલ થયો.આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા.ગોવાળો ગાયો ચરાવે.આપા અને સાધુ વાડીમાં કામ કરે.પણ કામ કરતા કરતા શેરડીના વાડને એવો ઉછેર્યો કે ક્ણબી પટેલનો ઉછરંગ સમાતો નથી.આપા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિ સ્મરણ કરે.શત્રુંજી ના કાઠે આપાએ ભક્તિ સભર વાતા વરણ ઉભુ કરી દિધુ.
વાઢ બરોબર પરિપક્વ થતા આપા ગીગાએ ડાયા પટેલ ને પુછ્યુ,"ભણે ડાયા,તારા વાઢ નો ગોળ કેટલો થશે?"
"પાંચસો માટલાની ગણતરી છે,પાંચસો માટલાથી વધારે થાય તો?" આપા ગીગાએ મનોમન ગણતરી કરીને ડાયા પટેલ ને પુછ્યું.
"પાંચસો માટ્લા થી વધારે થાય તે ગાયુને ચરાવી દેવી" પટેલે પણ હિંમતમાં આવી કહી દીધું. ચિચોડો મંડાણો છે.શેરડી પીલાવા લાગી.રસ ક્ડાઇએ ચડ્યો અને ગોળના માટલા ભરાવા લાગ્યા. પાંચસો માટલા ભરાય ગયા પછી ગામના કુંભાર ને ત્યાં હતા એટલા માટલા મંગાવી લેવામા આવ્યા,ગામમાં ધરે ધરેથી માટલા માંથી પાણી ખાલી કરી ને ડાયા પટેલ ની વાડીએ પોંહચતા કરવામાં આવ્યાં.આઠસો માટલા ભરાય ગયા પછી પણ અર્ધાથી થોડો ઓછો વાઢ પીલવાનો બાકી ઉભો હતો. ડાયા પટેલનું મન કુદરતની કરામતને નિહાળી ચકરાવે ચડી ગયુ છે.માથે પેહરેલી પાધડી નો છેડો ગળામાં નાખી,પટેલ જેમ લાક્ડી પડે તેમ આપા ગીગાના પગમાં પડી ગયા.ચોધારા આસુએ રડે છે."આપા,મે તમને ઓળખ્યા નહીં. મેં અભાગિયે તમને સાથીએ રાખ્યા. મારો આ ગુનો માફ કરો."
આપા ખડ ખડ હસી પડ્યા."પટેલ,સાધુને માન અને અપમાન શા?" ડાયા પટેલે વચન પ્રમાણે ત્રણસો માટલા ધર્માદામાં આપ્યા.શેરડીનો વાડ જે બાકી હતો તેમાં ગાયુને ચરવાની છુટ મૂકી દીધી.વાડીનો લેખ કરી આપાના ચરણે મુકવાની તૈયારી બતાવી.આપા કહે "અમારે રે વા' નથ્ય.ગુરૂ મા 'રાજ ની આજ્ઞા છે.ખેતર વાડી ને અમે સાધુ કાં કરીએ?" ડાયા પટેલનું મન માનતુ નથી.આપાને બોવ વિનવણી કરતા છેવટે આપા ડાયા પટેલના દિકરાને કંઠી બાંધી વાડી તેને સોંપી દે છે.આંબા ગામમાં આપા ગીગાનું સદાવ્રત આ રીતે ચાલુ થયું.
સતાધાર નું ડિટ બંધાણુ એ પહેલા આ ત્યાગી સંતે ગિર, કંઠાળ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી ઘણી પરક્મ્મા કરી હતી.આપા ગીગા આંબાથી અમરેલી આવ્યા.ઠેબી નદીના ગોઠણ સમા પાણીમાં ઉતરીને ગાયુ ગામમાં આવી રહી છે. ગાયકવાડી સુબા ના ભાઇ ખંડેરાવની મુલાકાતે વંડી પર બેસી ને ગયેલા, ખંડેરાવ એ એમનાથી પ્રભાવીત થઇ વિશાળ જમીન ત્રાંબા ના પતરે લખી આપેલ. મહેબુબ રહેમાનબાપુ, મુલ્લા જાફરજી,જાનમહમદબાપુ અને આસાબાપીર જેવા ઓલિયા ગીગાબાપુ ના નમન કરી શ્રી કૃષ્ણ ની મુર્તિ ના દર્શન કરી ભાવ વિભોર થયેલા. અમરેલીનો ગાયક્વાડી મહેસુલ વસુલ કરનાર અધિકારી હંસરાજ માવજી દેસાઇ બે ધોડા જોડેલી બગીમાં ફરવા નિક્ળ્યો હતો. રૂપાળી ગાયુને ભાળી સુબાનુ મન લલચાળું સતાના તોરમા સુબાએ આપા ગીગાને પાસે બોલાવી હુક્મ કર્યો કે "સાધુ આમાંથી ત્રણ ગાયો હવેલીએ મોક્લી દે જે."
આપા એ સાફ ઇનકાર કર્યો અને કિધુ કે "બાપ, આ ગાયુ તો ગરીબ ગુરબા અને સાધુ સંતોને દુધ પાવા રાખી છે." આથી તેણે કહ્યુઃ "તો હમણાને હમણા અમરેલી છોડી હાલતો થઇ જજે. આપાએ અમરેલી જવાનું માંડી વાળ્યું. ગાવડકા, બાબાપુર,મોટામાંડવડા એમ જુદી જુદી જગ્યાએ ફરે છે. મોટામાંડવડામાં એક પટેલ ભગતે તેમને રોકી રાખ્યા અને ગાયુને લીલોછમ રજકો નીરી આપાની ખુબ સેવા કરી.સવારથી જ આપા પટેલના ફળિયામાં પડેલી શીલા માથે બેસી રહેતા. પટેલ અને તની પત્ની બહુ.આગ્રહ ચાક્ળા માથે બેસવા માટે કરે પણ આપા કહે "સાધુ સંતોને સુવાળા બેસણા ન શોભે."
પટેલ સાથે આપાને દિલની ગોઠડી થઇ ગઇ છે.આપ ગીગા પટેલની સેવાથી બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે "તમારા ઘરે ઠાકર જલ્દી જ ધોડ્યું બધાવશે." આપા ગીગા જે ફળિયામાં આવેલી કાળા પાણાની છીપર પર બેસતા ત્યાં આજે પણ ધુપ થાય છે.માળવિયા શાખાના ઘણાં પરિવારો આજે પણ ત્યાં માનતા પુરી કરવા આવે છે.
મોટા માંડવડાથી આપા ગીગા બગસરા આવ્યા.સંતની કિર્તી ત્યારે ચોમેરે પ્રસરી વળી હતી.ગાયુ ઉપરાંત ભેગી ભક્તોની મંડળી પણ હાલતી થઇ હતી.બગસરા દરબાર ગોદડવાળા આપાને હેતથી જાળવે.ગામમાં તે વખતે લોક્વાયકા હતી કે બગસરાના રાજવી પરીવારમાં બાપ દિકરો સાથે ઘોડે ચડી શક્તા ન હતાં. દિકરો જુવાન થાય ત્યાં પીતાનું મૃત્યુ થઇ જાય.આપા ગીગાના કાને વાત આવી જે સાંભળી તે હળવુ હળવુ હસવા લાગ્યાં.એક દી સવારમાં દરબારની ડેલીએ ડાયરો બેઠો છે,ત્યાં આપા ગીગાએ બે ધોડા હાજર કરવા ફરમાન કર્યું. બે રૂપાળી ઘોડી ડેલી પાસે આવીને ઉભી રહી.આપા કહે, "બાપ ગોદડવાળા,તમે અને કુંવર બે ય ઘોડી ઉપર આંટો મારી આવો."
આ વાત સાંભળતા તો દરબાર ગોદડવાળા સહિત આખા ડાયરાના મોઢે મેસ ઢળી ગઇ. થોડીવારે આપા ગીગાનો કોઇ સતાવાહી રીતે અવાજ આવ્યો."ગોદડવાળા ઉભા થાઓ ઉપરવાળો લાજ રાખશે, બાપ-દિકરો ધોડે ચડો મારી આખ્યું ટાઢી થશે." ગોદડવાળાને હિંમત આવી.પોતે અને કુંવર ઘોડે ચડ્યા. બગસરામાં વાત ફેલાઇ ગઇ.ફરતા પંથક્માં આંટો મારી ગોદડવાળા દરબારગઢમાં આવ્યાં અને આપાગીગા ના પગ પક્ડી લીધા, "મહારાજ, આજ અમારા પરિવાર પરનો શ્રાપ ટળ્યો-"ગદ ગદ કંઠે દરબાર એટલુ જ બોલી શક્યાં."
આપા ગીગા બગસરા પધાર્યા ત્યારે ગાયકવાડી ખંડણી ની અસમાનતા રોકવા કર્નલ વોકરે મા ઇ.સ.૧૮૦૭ મા માણેકવાડા મુકામ કરેલો તેમા બગસરા દરબારો એ પ્રખ્યાત વોકર સેટલમેન્ટ કરેલુ.
આપા ગીગાના સત્ નાં પારખા થતા આવે છે. "પરગટ પીર થઇશ" એવી મુર્શદ પુ.દાન મહારાજના આશીર્વાદ જાણે સાચા પડતા આવે છે.બગસરાથી જંગર, ક્મઢિયા અને ત્યાંથી આંકડિયા આવ્યા. ફરતા ફરતા અમરાપર ધનાણીમાં રહ્યાં.કાથડભાઇ ગીડા નામના કાઠીએ પરમોધા.સંતનું પરિભ્રમણ ચાલુ છે.તેમની બિરદાવલીઓ બોલાતી થતી હતી.
નહીં જેના દરબારમાં,ભૂપત ભિખારીનો ભેદ;
વાણીમાં ચારેય વેદ, ગાતા સદગુણ ગીગવા.
અમરાપરથી માવજીજંવા અને ત્યાંથી ચાંપરડામાં સંતનું રોકાણ થયું છે.સુરાવાળા નામના કાઠી દરબારનો ચાંપરડામાં મેળાપ થયો.સુરાવાળા ભવાઇ જોવાના બહુ શોખીન હતા.ભવાઇના વેશ પણ ભજાવતા.તેમાય ડાગલાનો વેશ સુરાવાળાને અતીપ્રીય હતો.એક વખત આધેના ગામમાં સુરાવાળા ભવાઇનો વેશ રમી રહ્યા છે તેમા ઓળખાઇ ગયા.કાઠી ડાયરો મશ્કરીએ ચડ્યો.સુરાવાળા શરમાઇને ભાગ્યા.ભોંઠપનો પાર નથી.સીધા આપા ગીગા પાસે આવ્યા.ડાગલાનો વેશ હજી પેહરેલો છે.આપાના પગમાં સુરાવાળા પડી ગયા અને માંડીને વાત કરી.
આપા ગીગા એક જ વાક્ય બોલ્યા,"બાપ સુરાવાળા,ભોઠપ લાગતી હોય તો વેશ ભજવી બતાવ્ય તારે તો ફ્ક્ત ચાંપરડાનો ગરાસ જ છોડવાનો છે." સુરાવાળાની અંતર ની આંખો ઉઘડી ગઇ હતી.એ જ લેબાશમાં સાધુ બન્યા. ચાંપરડામાં વર્ષો પછી સુરાવાળાએ જીવતાં સમાધિ લીધી હતી.બીલખા અને વિસાવદર વચ્ચે આવેલા ચાંપરડામાં આજે સુરેવધામ વિખ્યાત છે. ભક્તિ-મારગડે હાલેલા આપા ગીગા ચાંપરડાથી ગિરમાં પરીભ્રમણ કરી રહ્યા છે.ત્યાંથી આબાંઝરને કાંઠે આવી પોહચ્યાં.ચોગરદમ ગિરિમાળાઓ,અખૂટ પાણી અને લીલીકુંજાર વનરાઇ જોઇ આપાનું મન પ્રસન્ન થઇ ઉઠ્યું.ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઇ મન મૂકીને ચરવા માંડ્યા.એક દી સાંજના સમયે ચુલો સળગી રહ્યો છે,તેમાંથી લોબાનની ભભક ઊઠવા માંડી.ગુરૂ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું, "લોબાનની ભભક આવે તીસે રોકાઇ જાજો."અને ત્યાંજ વનવાસ વખતે પાંડવો દ્રરા સ્થાપીત પોણું ડટાયેલુ શીવલીંગ જે આજે બીલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યાંમાથી આપાગીગા ને મલ્યુ.
આપા ગીગાનો આત્મા આબાંઝરનાં કાઠે ઠર્યો.ધરતીને મા નો ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી.સતાધારનું સ્થાપન આપા ગીગાના હાથે વિ.સં ૧૮૮૫ માં આ રીતે થયું.ચમ્તકારની કેટલીયે વાતો આપા ગીગાના જીવન સાથે વણાઇ ગયેલી છે.આપાની બાંધેલી ઝૂંપડી સતાધારના નામે પ્રખ્યાત બની અને આજે તેની સુવાસ દેશ દેશાવર પ્રસરીવળી છે.આપા ગીગાએ શરુ કરેલુ સદાવ્રત અને અભ્યાગતોનો આદર- સ્તકાર એક્ધારી બે સદીથી હાલ્યો આવે છે.
બ્રિટીશ શાસન સામે ઇ.સ. ૧૮૫૭ માં સ્વાધીનતા માટે ભારતમાં બળવો થયો અને ઇ.સ.૧૮૫૮ માં અંગ્રેજો તરફથી દમન નિતિ અને અત્યાચારોનો આશ્રય લેવાયો એવા સમયે ખાલસા થયેલો મુલક ફરીથી ક્બ્જે કરવા વાઘેર ગરાસદાર જોધા માણેક,મૂળુ માણેક,દેવા માણેકે પોતાનું ઓખા મંડળ ક્બજે કરી પોતાની આણ વર્તાવી,આવા સમાચાર મળતા કર્નલ ડોનાલ્ડને બ્રિટીશ લશ્કર અને ગાયક્વાડી લશ્કર લઇ ઓખામંડળ ઉપર આક્રમણ કર્યુ.બેટના કિલ્લઓનો લશ્કરી ટુકડીઓએ નાશ કર્યો અને ચારલાખની કિંમતનું ઝવેરાત લુટી લીધું.તેમજ દ્વારીકામાં પણ પોતાનો ક્બજો જમાવ્યો.
જોધા માણેક, મૂળુ માણેક, દેવા માણેક ઓખામંડળમાંથી નીક્ળી અમુક સમય સુધી સતાધાર આવેલા.આરતી પછી આપાગીગાએ પુછ્યુ "શું મુઝવણ છે જુવાનો?" જોધામાણેકે બધી વાત કરી અને કહયુ કે આ ગોરાઓ તો પારકા મુલક્ના છે પણ આ ગાયક્વાડી લશ્કરે દ્રારીકાની દેવ સ્થાન ઉપર હાથ નાખ્યો છે એટલે મરતા પેહલા એને અમારુ પાણી બતાવી દેવુ છે.એટલા માટે ખડીયામાં ખાપણ લઇને ગીરના જંગલ ના આશ્રયે આવ્યા છીએ.અમરેલીના સર સુબા સામે આમારું બહારવટુ ખેડાશે.
આપાગીગાએ ત્રણેય જુવાનોનો વાસો થાબડી આશીર્વાદ આપ્યા અને વચન આપ્યુ કે તમને તમારો ગામ ગરાસ પાછો મળશે. ગીરના જંગલમાં રહીને મૂળુ માણેકે કરેલ બહારવટાની હકીક્ત ખુબ જાણીતી છે.સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર થી આગેવાનોએ ઠરાવ કરી લેખીત વિરોધ મુંબઇ ઇલાકાના વાયસરોય સુધી પોહચાડ્યો આગેવાનોના આવા પ્રચંડ વિરોધનો અંગ્રેજોને પ્રથમ અનુભવ થયો અને ગાયકવાડને સુલેહ કરવાનો આદેશ આપાયો.દેવ સ્થાનનું તમામ ઝવેરાત અને ઓખામંડળનો ગરાસ પાછો આપવાનું સમાધાન ઇ.સ.૧૮૬૧ માં આ સમયે જોધા માણેક હયાત ન હતા.ગરાસ સંભાળી મૂળુ માણેક અને દેવા માણેક વિ.સં ૧૯૨૩ માં આપાગીગાને પગે લાગવા આવ્યા. આવા અનેકો પરચા આપાગીગાના છે.
આપા ગીગાએ જે સ્થળે ઝૂંપડી બાંધી હતી તે મૂળ જગ્યાની ગાદી આજે પણ સતાધારમાં સાચવી રાખવામાં આવી છે.સ્થાનકની અંદર દાખલ થતા ડાબી બાજુ આવેલી અસલ ગાદીના દર્શન કરી યાત્રાળુઓ દિવ્ય આનંદની અનુભૂતી કરે છે. આ સ્થળની બાજુમાં આવેલ ઓરડામાં સૌરાષ્ટ્ર ની અસલ સંસ્કૃતિના નમૂનારૂપ પિત્તળના મોટા દાબડા,ક્ટોદાન,ગોળીઓ,હાંડા,બેડા વગેરે જળવાયા છે.ભૂલાઇને નાશ પામવાને આરે આવીને ઉભેલી દોઢેક સૌકા જૂની આ વસ્તુઓ સંસ્કૃતિના ચાહકોને આકર્ષે છે.
સતાધાર અને તુલશી શ્યામ જેણે ન જોયા હોય તેની સાચી ગિરયાત્રા પુરી થતી નથી.સતાધાર એટલે સત નો આધાર સ્વરૂપ કિર્તીસ્તંભ અને આપણી લોક સંસ્કૃતિનું કેન્દ્ર બિંદુ.પરબવાવડીનાં સંત દેવીદાઅ બાપુની જેમ આપા ગીગાએ રોગીઓની સેવા કરી. જેને લોકોએ કાઢી મૂક્યા હોય એને આશરો આપ્યો એટલે જ સતાધાર એટલે 'સત્ત નો આશરો.'
આપા ગીગાના પિતાનું નામ અલીભાઇ અને માતાનું નામ સુરઇ હતું.આપા દાનાએ જગ્યામાં આવ્યા પછી સુરઇનું નામ બદલી લાખુ રાખ્યું હતું.સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઇ,સુરઇને સગર્ભા મૂકીને પોતાના ઢોર લઇ દેશાવર ચાલ્યા ગયા હતા. સુરઇ પોતાને સગાને ત્યાંથી ચલાળા જવા નિક્ળ્યા ત્યારે રસ્તામાં આવતા શાપુર ગામે પુત્રનો જન્મ થયો.પુત્રનું નામ ગીગો રાખવામાં આવ્યું.મા-દિકરો ચલાળે આવ્યા પણ દુકાળની થપાટ એવી હતી જે ચલાળામાં રેહતા તેમના સગાઓએ પણ તેને જોઇ મોઢુ મચકોડ્યું.
આપા દાનાએ કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો.સુરઇ અને ગીગો તેમા સચવાયા.આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દિકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ.ચલાળા પાસેના સંરભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી.પણ અલખધણીના જેને ઓરતા હતા તે આપા ગીગાનું મન સંસારમાં ચોટ્યુ નહીં.સતાધારમાં સેવા સદાવ્રત ચાલુ કરી આપા ગીગાએ વિ.સં ૧૯૨૬(ઇ.સ ૧૮૬૯) જગ્યામાં જીવતા સમાધી લીધી. આપાગીગાએ સમાધી લીધી એને ૧૪૭ વર્ષ થયા પણ સતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે. ગીગાબાપુ ની હયાતી સમયે તથા તેમના સમાધિષ્ટ થયા પછી સજુમા અને રજુમા એ બે નારી શક્તિઓ એ જગ્યા ની સંભાળ રાખી હતી. તેમની પણ સમાધીઓ અહીં આવેલી છે.
આપા ગીગા પછી તેમના શિષ્ય કરમણ ભગત સતાધારની ગાદીએ આવ્યા.જેને આપાગીગાએ સ્વહસ્તે તીલક કર્યુ. કરમણ ભગત રડી પડ્યા અને બોલ્યા કે મારા દેહની સમાધી થશે અને ચાંદો સુરજ રેહશે ત્યાં સુધી હું મારા વારસ મહંતોમા દર ત્રીજી પેઢીએ હું પોતેજ હઇશ. તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજીવનબાપુ, લક્ષ્મણબાપુ અને શામજીબાપુએ સતાધારની ગાદી સંભાળી. લક્ષ્મણબાપુ ૩૨ વર્ષ અને શામજીબાપુ ૩૧ વર્ષ સુધી સતાધારની ગાદીએ રહ્યા. શામજીબાપુએ પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કર્યુ હતું, હાલ માં વીજયબાપુ આપા ગીગાની સેવા કરે છે.મહંત જગદીશ બાપુ દેહવિલય પામ્યા છે.
સતાધારની જગ્યામાં આપાગીગા ઉપરાંત એક સિવાય તમામ મહંતોની સમાધી આવેલી છે.હનુમાનજીનું અને શંકરનું મંદિર પણ જગ્યામાં છે. સૌરાષ્ટ્રના ગધઇ સમાજ દ્રારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે.આપા ગીગા પરિભ્રમણ દરમ્યાન જ્યાં જ્યાં રહેલા તે બગસરા,ચુડા,ડમરાણા,મોટામાંડવડા વગેરે ગામોમાં મુખ્ય સ્થાનક્ની પેટા જ્ગ્યા આવેલી છે.દરેલ સ્થળે અન્નક્ષેત્ર તથા ગૌસેવા ચાલે છે.
સતાધારનું વિશાળ રસોડુ અને જબ્બર અતિથી ગૃહ તેની વિશેષતા છે.એક સાથે ત્રણ હજાર લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા સ્થાનક્ના રસોડામાં છે. ત્રણેલ હજાર માણસો નિરાતે રહી શકે તેવા અતિથી ગૃહો છે.
સ્વ શામજીબાપુના નામ પરથી અતિથીગૃહનું નામ 'શ્યામ ભવન' રાખવામાં આવ્યુ છે.સતાધારની જગ્યાને પ્રસીધ્ધી અપાવવામાં શામજીબાપુનો સિંહ ફાળો છે.પાંચ વર્ષની ઉમરે તેઓ સ્થાનક્માં આવ્યા હતા. લક્ષમણ બાપુએ તેમને ઉછેર્યા હતાં.૩૧ વર્ષ સુધી મહંત પદ સંભાળી ૧૯૮૩ માં ૭૮ વર્ષની ઉમરે તેમનુ અવસાન થયું.શામજીબાપુ અને સતાધાર એકબીજાના પર્યાય બની રહેલા. અપા ગીગાએ પ્રબોધેલ દાન અને સેવાને તેમને નવુ પરિણામ આપ્યું. અલ્હાબાદના કુંભમેળામાં ભારતભરના સાધુઓએ હાથી પર બેસાડી શામજીબાપુની શોભાયાત્રા કાઢી તેમનુ સન્માન કર્યુ હતું.
સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે.તેના પર શામજીબાપુએ ઘાટ,બગીચો અને કુંડ બનાવરાવ્યા છે. રાજુલાના પત્થરમાંથી બનાવેલા આ ઘાટ હરીદ્વાર, અલ્હાબાદ અને બનારસની યાદ અપાવે છે.ગુરૂનાં નામ પરથી તેનુ નામ 'લક્ષ્મણ ઘાટ' રાખવામાં આવ્યુ છે.નદી ભરાયેલ હોય ત્યારે જાનહાની ન થાય તેવી સાવચેતી ધાટ બનાવતી વખતે રાખવામાં આવેલી છે. લીલોછમ અને ફુલોથી અરછાદીત બગીચો આંખોને શીતળતા આપે છે. જગ્યામાં તમામ લોકો સ્વૈક્ષીક સેવા આપે છે.અનાજ સાફ્ કરવું, વાસીંદા કરવા,રસોઇ બનાવવી,ઢોર સાચવવા,પીરસવું, એમ દરેક તબ્બકે કોઇ પગારદાર માણસ નજરે નહી ચડે. સૌ કોઇ પોતાની શકતિ પ્રમાણે સેવા આપવા સતાધાર આવે છે. દરેક વ્યક્તિને તેનું મનગમતું કામ મળી રહે છે.સતાધારથી ક્નકાઇ જતા રસ્તામાં બાજરીયા નેસ આવે છે ત્યાં સ્થાનકનાં પશુધનને રાખવામાં આવેલ છે.લગભગ ૨૩૦૦ કરતાં પણ વધારે ઢોર સ્થાનક પાસે છે.ગિરને નાકે વિસાવદરથી સાત કિલોમીટર અંતરે આવેલ ઘેઘુર સતાધાર ખુબજ પ્રસિધ્ધ તીર્થસ્થળ છે.
આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર,
ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર.
સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર,
સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર.
જય આપા ગીગા જય સતાધાર
0 comments:
Post a Comment