નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કેવી રીતે કરશો ?
તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થાય છે અને 11 ઓક્ટોબરે પૂરી થાય છે. નવરાત્રીના આ નવ દિવસ ગાયત્રી અનુષ્ઠાન માટે ઉત્તમ ગણાય છે. આ અનુષ્ઠાનમાં ગાયત્રી મંત્રની રોજ ૨૭ માળા કરવાની હોય છે.
મોટાભાગની માળા સવારના ભાગમાં જ પતાવી દેવી. સવારના પાંચથી અગિયાર સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય. બાકી રહેલી થોડીક માળાઓ તમે સાંજે સંધ્યાકાળે પણ કરી શકો. જ્યાં સુધી માળા ચાલે ત્યાં સુધી ગાયના ઘીનો દીવો ચાલુ રાખવો. અખંડ દીવો રાખવો ફરજિયાત નથી, સ્વૈચ્છિક છે. એક જ સ્થળે બેસીને માળાઓ કરવી. અનુષ્ઠાનમાં અનુશાસન એટલે કે શિસ્ત પાળવી જરૂરી હોય છે.
નવ દિવસ સુધી ત્રાંબાના લોટામાં જળ ભરી રાખવું. રોજ સવારે માતાજીને તાજાં ફૂલ અર્પણ કરવાં અને સાકર કે કેળાનો પ્રસાદ ધરાવવો. ગાયત્રી મંત્રના અનુષ્ઠાનમાં આરતી કરવી ફરજિયાત નથી.
ગાયત્રીનો ફોટો મળે તો એ તમે પૂજામાં રાખી શકો છો. અને ન હોય તો જગદંબાનો ફોટો પણ ચાલે. શક્તિ એક જ છે. સ્ત્રીઓ પણ ગાયત્રી અનુષ્ઠાન કરી શકે છે. નવ દિવસમાં જો પિરિયડ આવતો હોય તો ના કરી શકાય.
મંત્ર મોટેથી બોલવા કરતાં મનમાં બોલવો વધારે સારો. જો કે શરૂઆતમાં મોટેથી બોલી શકો છો પરંતુ મંત્ર એકદમ યાદ રહી જાય પછી મનમાં જ બોલવાની પ્રેક્ટિસ કરવી. જો આવાહન અને વિસર્જનના મંત્રો ના આવડતા હોય તો ચિંતા નહીં કરવાની. માનસિક રીતે પ્રાર્થના કરી માળા ચાલુ કરી શકો. પ્રાર્થનામાં ઘણી તાકાત છે !!
અનુષ્ઠાનમાં નવ દિવસ ઉપવાસ પણ રાખી શકો છો અને એકવાર જમીને પણ કરી શકો છો. આ બધો આધાર તમારા પોતાના મનોબળ ઉપર હોય છે.
24000 મંત્રો પૂરા કર્યા પછી તમે હવન કરી શકો તો ઉત્તમ ! પરંતુ હવન કરવો ફરજિયાત નથી. દસમા ભાગના 2400 મંત્રો કરવા માટે તમારે દસમા દિવસે વધારાની 23 માળા કરવી પડે.
જે મિત્રોને ગાયત્રીમંત્ર બિલકુલ ન ફાવે તે લોકો ગાયત્રી ચાલીસાના રોજના 12 પાઠ નવ દિવસ સુધી કરી શકે છે.
0 comments:
Post a Comment