ત્રિરંગો એ આપણા દેશની શાન છે અને ગર્વ સાથે આપણે તેને લહેરાવીએ છીએ. તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે....વગેરે વાતો આપણા ગીતો અને સંવાદોમાં વારંવાર સાંભળવા મળતી હોય છે, પરંતુ દેશની આન, બાન અને શાન સમા તિરંગાનાં સર્જન અને સર્જક વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે. બહુ ઓછાં લોકો જાણે છે કે આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો જન્મદિવસ છે જેની ડિઝાઇન શ્રી પિંગલી વેંકૈયાએ બનાવી હતી.
આ વિશે આપણે ભાગ્યે જ ભણ્યા હોઈશું પણ આની માહિતી દરેકેદરેક ભારતીયને હોવી જ જોઈએ. તો ચાલો થોડાં વર્ષો પાછળ જઈ ઇતિહાસ પર એક નજર નાખીયે. ૧૯૦૬માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં શ્રી વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી.
એ વખતે અધિવેશનમાં યુનિયન જેકને લહેરાવવામાં આવ્યો હતો, જેને જોઈને શ્રી વેંકૈયા બહુ વ્યથિત થયાં હતાં. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. તે એવો ધ્વજ બનાવવા માંગતા હતાં જે આખા રાષ્ટ્રને એકસુત્રમાં બાંધી રાખે. જેમાં તેમનો સહયોગ એસ.બી.બોમાન અને ઉમર સોમાનીએ આપ્યો હતો.
૧૯૧૬માં તેમણે 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે ૩૦ નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમનાં આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારનાં તંત્રીલેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં શ્રી પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ, એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી એમને જ સોંપી હતી.
પાંચેક વર્ષનાં સઘન અધ્યયન બાદ શ્રી પિંગલી વૈંકેયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને ૧૯૨૧માં વિજયવાડા ખાતે યોજાયેલાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગનાં બે પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો.
કોંગ્રેસનાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી છતાં તે કોંગ્રેસનાં કાર્યક્રમોમાં લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારાવધારા પણ સૂચવ્યા હતાં. આખરે કેસરી, સફેદ અને લીલા રંગનાં તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત્ રાખ્યું હતું. આ તિરંગાને ૧૯૩૧માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી.
આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને ૨૨ જુલાઈ, ૧૯૪૭નાં રોજ બંધારણીય સભામાં પંડિત જવાહરલાલ નહેરૂએ વર્તમાન ત્રિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ જાહેર કર્યો હતો. તેમાં ત્રણ રંગ હતા. ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલો. સફેદ રંગની પટ્ટીમાં ભૂરા રંગનું અશોક ચક્ર જેમાં ૨૪ આરા જોવા મળે છે જે ધર્મ અને કાયદાનું પ્રતિનિધિત્વ કરે છે. અશોક ચક્ર એ સારનાથનાં સિંહાકૃતિવાળા અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પાછળથી રાષ્ટ્રપતિ બનેલ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણએ આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલી ભાવના વર્ણવતા કહ્યું હતું કે, ”ભગવો અથવા કેસરી રંગ શૌર્યતાનું પ્રતીક છે તો ત્યાગ અને સમર્પણનું પણ પ્રતિક છે. લીલો રંગ આપણો વૃક્ષ, છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે કે જેની પર તમામનાં જીવન આધારીત છે. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશીત કરશે.
મધ્યમાં રહેલ અશોક ચક્ર એ ધર્મ ચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતાં એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાશે નહીં, તેને ગતિશીલ બની અને આગળ ધપવું જ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતિનિધિ બનશે. તે દિવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે.
આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશનાં લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. ત્રિરંગો એ આપણું ગૌરવ છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશનાં અસ્તિત્વ અને અસ્મિતાનાં પ્રતિક સમાન છે. આપણામાં રાષ્ટ્રપ્રેમ, સર્વધર્મસમભાવ, વિવિધ જાતિઓ અને વિવિધ લોકસમૂહને એકસૂત્રમાં બાંધનાર તથા રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સમર્પિત થવાની પ્રેરણા આપનાર આપણો રાષ્ટ્રીય ધ્વજ છે.
ખાદીનાં એક ટુકડામાંથી બનેલો આપણો ધ્વજ એ ફક્ત કાપડનો ટૂકડો ન રહેતાં આખા દેશનો આત્મા છે અને આપણી આઝાદીનું પ્રતિક છે. તો આવો આપણે સહુ સાથે મળીને આપણા તિરંગાની ગરિમા જાળવીએ અને એનું ગૌરવ અનુભવીએ. એવું કોઈ કામ ન કરીયે જેથી રાષ્ટ્રની અખંડિતતા અને અસ્મિતા પર કોઈ આંચ આવે.
જેની જન્મભૂમિ ગૌરવવંતી મા ભારતી છે એવાં તમામ ભારતીયોને આપણા અસ્મિતાનાં પ્રતીક સમાન તિરંગાનાં જન્મદિવસની ગૌરવપૂર્ણ શુભેચ્છાઓ..!! જય હિન્દ !! 🇮🇳
- વૈભવી જોશી
0 comments:
Post a Comment