Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Wednesday, 20 August 2025

શિવાલયની રચના- lord shiva

 

ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી શિવાલયની રચના એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે.

મહાદેવનાં શણગાર તથા પૂજનવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફુલો ધતુરો, બીલીપત્ર, રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજનવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે.

સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે. સર્વનું કલ્યાણ કરનારા શિવનાં શિવાલયમાં વાસ્તુશાસ્ત્ર-શિલ્પકલાવિધાનમાં તેમજ માનવજીવન માટે આશિષ ગણાતી અષ્ટાંગયોગ કલ્પના સાકાર થાય છે. ગુજરાતનાં પ્રદેશોમાં થતા શિવાલયની રચના મુદા નીચે મુજબ જોઈએ.

શિવાલયની રચના બે ભાગમાં હોય છે જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ (ગર્ભાગાર-ગભારો) કહેવાય છે. જેમાં મનુષ્યના  જન્મથી અંત સુધીના સંસ્કાર તેમાં પ્રગટ થાય છે.

શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે. જે યમનું પ્રતીક માનવામાં આવે છે. દેહ સાથે જોડાયેલી મૂત્યુની વાત જન્મતા જ જાણી લેવી જોઈએ. 'જે જોયું તે જાય' એ ચરિતાર્થ કરવા માટે શરૂઆતમાં જ કાલ ભૈરવની મૂર્તિ હોય છે. તે મૂત્યુનાં પ્રતીક રૂપે છે.

શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવુ જોઈએ.

શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો ( આંખ, કાન, જીભ, હાથ અને પગ ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે. જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે.

શિવાલયમાં કાચબાની ડાબીબાજુએ ઉતરદિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ  વિધ્નોનાં હરનાર કહેવાય છે. ગણ-પતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ. એ રીતે ગણેશનાં કાન મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે. તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા-બુધ્ધિના દેવ ગણાય છે. મનુષ્ય માટે બુધ્ધિ જીવન જીવવાની આવડતમાં આવશ્યક વસ્તુ છે.

શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણદિશા બાજુ મુખે હનુમાનજી નું સ્થાપન કરવામાં આવે છે. હનુમાન બ્રહ્મચર્ય-શકિત અને સેવાનાં ઉદાહરણ રૂપે છે. જે મનુષ્યને જીવન જીવવામાં એક આદર્શરૂપ નિવડે છે.

શિવાલયનાં બીજાભાગમાં ગર્ભદ્વારનાં ઉંબરે વાઘનાં  શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્નેબાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે. વાઘ ચોકસાઈ અને ધારણાવાળું પ્રાણી છે જેનું નિશાન ઘણું ચોક્કસ હોય છે જે ભાગ્યેજ ખાલી જાય છે. મનુષ્યએ પણ પોતાના જીવનનાં ચોક્કસ ધ્યેયો ચોકસાઈથી પાર પાડવા જોઈએ.

શિવાલયનાં ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લિંગની સ્થાપના કરવામા આવે છે. શિવનાં  લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છેકે ભગવાન શિવ  અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદિરનાં ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલિંગ હદય અને આત્માનું પ્રતીક છે.

શિવાલયમાં શિવલિંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગનાં માપ જેટલુ વધારે હોય છે. શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે. જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી અને દુધનાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામા આવે છે. જેને ઉતર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે. જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે. આમ થાળુ અને જળાધારી કુંડલીની શક્તિ (દેહમાં રહેલી આંતરચેતના) દર્શાવે છે. જ્યારે શિવલિંગ ઉપર સર્પ એટલેકે નાગનું છત્ર હોય છે. જે જાગૂતિ અને ચંચળતાને પ્રગટ કરે છે.

શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની  મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ અને નમ્રતાનાં પ્રતીક રૂપે છે. પાર્વતી શ્રધ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે. મનના આંતરિક ગુણોમાં ભક્તિ, શ્રધ્ધા, નમ્રતા અને તપ જરૂરી ગણાય છે.

આમ શિવાલયની રચના મનુષ્યનાં જીવનમાં મૃત્યુ, પરિશ્રમ, ઈન્દ્રિય, બુદ્ધિ, સેવા, શક્તિ, જાગૃતિ, શ્રધ્ધા, ભક્તિ, તપ અને મુક્તિની આવશ્યક્તા સમજાવવામાં આવી છે. શિવાલય મનુષ્યના દેહ મનની આવશ્યક ગુણવત્તાનું પ્રતીક બની રહે છે. ભસ્મ અને ચંદન રાગ-વૈરાગ્ય વચ્ચેની સમદૃષ્ટિ પ્રગટ કરે છે.


0 comments:

Post a Comment

Weekly Popular Updates

Catagerios

Our Followers