Official Website by Vipul Prajapati Job,Education,Sports,Festivals,General Knowledge and all types of information Website


Join Our Whatsapp Group to Get Latest Updates... :Click Here
Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Thursday, 14 August 2025

રાંધણ છઠ્ઠ મહાત્મ્ય અને પુજા

 આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 14. ઓગસ્ટ ગુરુવારે મનાવવામાં આવશે રાંધણ છઠ્ઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઇ બલરામજી જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ થયો હતો, એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠ્ઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે. 


આ તહેવાર ભારતના અલગ-અલગ રાજ્યમા જુદા-જુદા નામે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આને રાંધણ છઠ્ઠ તો ક્યાંક આ દિવસ ને હલષષ્ઠી, હળછઠ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. હળછઠ અથવા રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે. 

ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠ્ઠનો તહેવાર મનાવવામાં આવે છે. રાંધણ છઠ્ઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ના કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે.

રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે-ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.

આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રાંધણ છઠ્ઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધીપૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.

શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી બલારામજીનો જન્મ થયો હતો. શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ "હળ" પરથી રાખવામા આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ’ પણ કહેવામાં આવે છે.

આ દિવસે કેવી રીતે કરશો પૂજા : - 

સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ત્યાર બાદ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી - 

આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હલછઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઇ પણ અનાજ અથવા ફળ પણ ખાઇ શકાય નહીં. 

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ

0 comments:

Post a Comment

Weekly Popular Updates

Catagerios

Our Followers